Gujarat
મોંઘવારીનો વધુ એક માર : એસ.ટી. બસ ભાડામાં 25 ટકાનો વધારો
પવાર
- 48 કિ.મી. સુધીની મુસાફરીમાં હવે વધુ રૂા. 1 થી 6 ચુકવવા પડશે : દસ વર્ષ બાદ એસ.ટી. નિગમે ભાડા વધારો કર્યો
ગુજરાતની પ્રજાને મોંઘવારીનો વધુ એક માર પડયો છે અને રાજયનાં એસ.ટી. નિગમે દશ વર્ષનાં લાંબાગાળા બાદ ગઇકાલે મતરાતે એક વાગ્યાથી ભાડા વધારો અમલી બનાવ્યો છે અને બસની ટિકિટમાં સરેરાશ રપ ટકા સુધીનો વધારો કર્યો છે. દરમ્યાન એસ.ટી. નિગમનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર એસ.ટી. નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જયારે અન્ય રાજયો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટસના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જયારે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઇ જ વધારો કરેલ નથી. વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધેલ છે.
લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઇ વધારો કવરામાં આવેલ નથી જયારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉતરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજયો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે. આ પ્રકારે ભાડા વધારો કર્યા બાદ પણ રાજસ્થાન, પંજાબ, કેરાલા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ જેવા અન્ય રાજયો કરતાં ગુજરાત એસ.ટી.નું પ્રતિ કિલોમીટર/સીટ ભાડુ ઓછું રહેશે. સરકારના વર્ષ 2003ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસના ભાવમાં વધારો થતા ભાડા વધારો કરવો પડયો છે. નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજી 10 લાખ જેટલા) 48 કિ.મી. સુધીની મુસાફરી કરે છે, જેમાં માત્ર રૂા. 1 થી 6 સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજયના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે. વધુમાં એસ.ટી. નિગમનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા લોકલ બસમાં 0.80 પૈસા એકસપ્રેસમાં 0.85 પૈસા અને નોન એ.સી. સ્લીપરમાં 0.77 પૈસાનો વધારો કર્યો છે. અગાઉ લોકલમાં 0.64, એકસપ્રેસમાં 0.68 અને નોન એ.સી. સ્લીપરમાં 0.62 પૈસા ભાડુ હતું.