Bhavnagar
સ્પા-મસાજ પાર્લરમાં નોકરી કરતી તમામ યુવતીની પોલીસમાં નોંધણી ફરજિયાત કરતી અમદાવાદ પોલીસ : ભાવનગરમાં ક્યારે?
બરફવાળા
- વિદેશથી યુવતી આવી હોય તો તેના પાસપોર્ટ તેમજ વિઝાની સંપૂર્ણ વિગત, ભારતીય હોય તો તેની ઓળખના તમામ પૂરાવા ઉપરાંત સ્પા સંચાલકનો ફોટો, યુવતીનો ફોટો સહિતની વિગતો આપવી પડશે: સ્પા-મસાજ પાર્લર સંચાલકે તેનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ રજૂ કરવા ફરજિયાત
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર સ્પા અને મસાજ પાર્લરના ‘રૂપકડા’ નામ હેઠળ અનેક પ્રકારના ગેરકાનૂની ધંધાઓ ધમધમી રહ્યા હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. આ ફરિયાદોને અમદાવાદ પોલીસે ગંભીરતાથી લઈ સ્પા-મસાજ પાર્લરમાં નોકરી કરતી તમામ યુવતીની પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત કરી દીધી છે પરંતુ રાજકોટમાં હજુ સુધી આ પ્રકારનો કોઈ જ નિયમ અમલી બનાવવામાં આવ્યો ન હોય ઝડપથી અહીં પણ નિયમ જાહેર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે શહેરના રહેણાક-ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા-મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન તેમજ દેહવેપાર અને અન્ય ગેરકાયદેસર કૃત્યો ચાલતા હોવાનું ધ્યાન પર આવ્યું છે એટલા માટે હવે સ્પા-મસાજ પાર્લરમાં નોકરી કરતી તમામ યુવતી સહિતના કર્મચારી, સ્પા-મસાજ પાર્લરનું નામ, માલિક-સંચાલકનું નામ તેમજ સરનામું અને ટેલિફોન નંબર ફરજિયાત આપવાના રહેશે.
જો સ્પા-મસાજ પાર્લરમાં નોકરી કરનારી યુવતી ભારતીય હોય તો તેની ઓળખના પૂરાવાની સાથે જ તેનું હાલનું સરનામું, મુળ વતનનું સરનામુ, ફોન નંબર સહિતની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જો યુવતી વિદેશી હોય તો તેના પાસપોર્ટની વિગત, કયા વિઝશ પર ભારત આવેલી છે તેની વિગત આપવી ફરજિયાત કરવામાં આવી છે. આવી જ રીતે સ્પા-મસાજ પાર્લર ચલાવનાર સંચાલકનો ફોટો, કામ કરતાં કર્મચારીઓનો ફોટો તેમજ લાગુ પોલીસ મથકના સહી-સીક્કા અને તારીખ સહિતની વિગતો આપવાની રહેશે. આ વિગતો સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેની બે નકલ કાઢવાની રહેશે અને બંને નકલ જે તે પોલીસ મથકમાં આપવાની રહેશે જેની એક નકલ પોલીસ સ્ટેશનના સહી-સીક્કા સાથે પરત અપાશે જેને સાચવી રાખવી પડશે. આ સાથે જ સ્પા-મસાજ પાર્લર સંચાલકે તેનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધારકાર્ડ, ઈલેક્શન કાર્ડ રજૂ કરવાના રહેશે. આ જાહેરનામું 28-9 સુધી અમલી રહેશે જેનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે.