Sihor
સિહોરના વળાવડ સુરકા વચાળે કાર અકસ્માતમાં ઈજા પામેલા યુવાનનું મોત

પવાર
મોટા સુરકા-વળાવડ વચ્ચે કારચાલકે બાઈકને અડફેટે લીધી હતી, બેભાન અવસ્થામાં ભાવનગર ખસેડાયેલા યુવાને હોસ્પિટલમાં દમ તોડયો
સિહોર તાલુકાના મોટાસુરકા વળાવડ વચ્ચે ચાર દિવસ પૂર્વે કારના ચાલકે બાઈકને અડફેટે લેતા બે મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં વધુ ઘવાયેલા અમરગઢના યુવાને ભાવનગર હોસ્પિટલમાં દમ તોડયો હતો. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિહોરના અમરગઢ જીથરી ગામે નવાપરા, શીતળા માતાજીની દેરી પાસે રહેતા હિંમતભાઈ શંભુભાઈ પરમાર (ઉ.વ.૪૦)નો ૧૮ વર્ષીય પુત્ર રીતેશભાઈ ભાઈ તેમજ તેનો મિત્ર ગત તા.૨૭-૩ના રોજ બપોરના સમયે પોતાની બાઈક લઈ મોટા સુરકા વળાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે નવદુર્ગા હોટલ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવી રહેલ કાર નં.જીજે.૦૧.કેએલ.૪૦૧૮ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા બન્ને યુવાન મિત્રને ૧૦૮ મારફતે બેભાન અવસ્થામાં સિહોર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં રીતેશભાઈની હાલત વધુ ગંભીર હોય, ભાવનગર સર ટી.હોસ્પિટલ રિફર કરવામાં આવતા તેઓનું મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બનાવને લઈ અરેરાટી વ્યાપી ગઈ છે