Fashion
આ હેરબૅન્ડ જેવી પેહરવાથી મળશે રજવાડી સ્ટાઇલ લુક
ટીકો અને માથાપટ્ટીનો ટ્રેન્ડ દુલ્હનો માટે સદાબહાર છે અને તે હંમેશાં ટ્રેડિશનલ લુકનો ભાગ રહેવાનો. પણ આજકાલ માથા પર પહેરાતી હેરબૅન્ડ જેવી ઍક્સેસરી ટ્રેડિશનલ લુક અને ફ્યુઝન લુક સાથે વધુ ડિમાન્ડમાં છે જે શીશપટ્ટી કે શીશફૂલ તરીકે ઓળખાય છે. રાજસ્થાની રાજપૂતી જ્વેલરી શીશપટ્ટી કઈ રીતે પહેરવી અને કેવી ડિઝાઇન્સ ટ્રેન્ડમાં છે એ જાણી લો.
શીશ એટલે કે માથું. જે માથા પર પહેરાતી પટ્ટી જેવા આકારના આ ઘરેણાને રાજસ્થાનમાં શીશપટ્ટી એવું નામ આપવામાં આવ્યું છે. રેગ્યુલર માથાપટ્ટી કપાળને અડકે એ રીતે પહેરાતી હોય છે, જેની સાથે સેન્ટરમાં ટીકો કે બોરલો પહેરાતો હોય છે. માથાપટ્ટી માથા પર જ્યાં હેરબૅન્ડ પહેરવામાં આવે એ પોઝિશન પર પહેરવામાં આવે છે જેથી ચહેરો ઢંકાઈ ન જાય. ખાસ કરીને જેમનો ફેસ નાનો હોય તેમના માટે આ હેર ઍક્સેસરી પર્ફેક્ટ છે.
શીશપટ્ટીમાં કુંદનથી લઈને મોતી અને જડાઉ જેવી અનેક વરાઇટીમાં જોવા મળી રહે છે. મોતીની લડીઓ જેવી શીશપટ્ટી બ્રાઇડલ લુકમાં સારી લાગે છે. સફેદ મોતીની લડીઓ અને સાથે કુંદનના પૅચ હોય એવી શીશપટ્ટી સાથે કુંદનનો ટીકો પણ મૅચ કરી શકાય. આ સિવાય હેરબૅન્ડ જેવો જ લુક આપે એવી કુંદન કે જડાઉ શીશપટ્ટી પણ ટ્રેન્ડમાં છે.
શીશપટ્ટી દુલ્હનથી લઈને લગ્ન અટેન્ડ કરનારા બધા માટે છે. શીશપટ્ટી છૂટા વાળ સાથે વધુ સારી લાગે છે. આલિયા ભટ્ટનું જ ઉદાહરણ લઈએ તો આલિયાએ છૂટા વાળ સાથે જાડી શીશપટ્ટી અને મોટો ટીકો પહેર્યો હતો. એ સિવાય કરિશ્મા કપૂરની જેમ અંબોડા સાથે પણ પાતળી હેરબૅન્ડ જેવી કે ફૂલની પૅટર્નવાળી શીશપટ્ટી સારી લાગશે. શીશપટ્ટી પહેરવી હોય તો હેરસ્ટાઇલ ખૂબ હેવી ન હોવી જોઈએ. શીશપટ્ટી એક ક્લાસી ઍક્સેસરી છે. પહેર્યા બાદ એ રજવાડી લુક આપે છે એટલે જેટલી સિમ્પલ હશે એટલી જ એ આકર્ષક લાગશે.
બ્રાઇડલ ઇન્ડસ્ટ્રીમાં ૪૦ વર્ષનો અનુભવ ધરાવતાં મેકઅપ અને હેરસ્ટાઇલ આર્ટિસ્ટ અર્ચના હરિયા કોને કેવાં શીશફૂલ સારાં લાગે એની ટિપ્સ આપતાં કહે છે, ‘ગોળ/ચોરસ નાજુક ચહેરા માટે શીશફૂલ થોડો નાજુક અને સુંદર હોવો જોઈએ જેથી તેનો લુક સૉફ્ટ લાગે. લંબગોળ કે પાતળા ચહેરાના આકાર પર કોઈ પણ પ્રકારનું શીશફૂલ સારું લાગે. હવે યુવતીઓ સાંજના ફંક્શન માટે શીશફૂલનો ઉપયોગ કરે છે. શીશફૂલ ક્લીન દેખાવ આપીને કુદરતી રીતે તમારી સુંદરતામાં વધારો કરે છે. એનાથી મેકઅપ પણ ઊઠીને દેખાય છે. જ્યારે માથાપટ્ટી તમારા કપાળને ઢાંકીને તમારો ચહેરો નાનો બનાવે છે. માર્કેટમાં આવતા દરેક નવા ટ્રેન્ડને અપનાવવો જોઈએ એવું મારું માનવું છે અને તેથી શીશફૂલ આજે દરેક ફંક્શનમાં આપણી ફૅશનિસ્ટાઓ માટે મસ્ટ અને ફેવરિટ બની છે.
બધી જ ઍક્સેસરી બધાને સૂટ થાય એવું નથી. શીશપટ્ટી ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જેમનું કપાળ ખૂબ પહોળું ન હોય તેમજ ફેસ મોટો ન હોય. ફેસ જો ગોળાકાર અને મોટો હશે તો શીશપટ્ટીથી એ વધુ મોટો લાગશે. બીજી બાજુ ચહેરો નાજુક અને નાનો હોય તેઓ મોટા ટીકા કે પહોળી માથાપટ્ટી પહેરી શકતા નથી, કારણ કે તેમનો ચહેરો ઢંકાઈ જાય છે. અહીં શીશપટ્ટી તેમની માટે એક પર્ફેક્ટ ઑપ્શન છે. શીશપટ્ટી ચહેરાને ઢાંકતી નથી અને ચહેરો થોડો મોટો હોય એવો આભાસ આપે છે. આલિયા ભટ્ટનો ચહેરો ખૂબ નાનો છે. જો ટીકા સાથે પહોળી માથાપટ્ટી તેણે પહેરી હોય તો કદાચ એ એટલી સુંદર ન લાગત. પણ માથાપટ્ટી તેને શોભી ઊઠી છે. એટલે જ શીશપટ્ટીની પસંદગી એ રીતે કરો કે એ તમારા લુકને નિખારે.