Sihor
રાજ્ય કક્ષાના મંત્રીના વિસ્તાર સિહોર તાલુકાને રાહતના પેકેજમાં સમાવેશ કરવા ભાજપના નેતાઓ દ્વારા રજુઆત
Pvar
જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહની હાજરીમાં આક્રોશભેર રજુઆત, સિહોર તાલુકાને સમાવેશ કરવા રજુઆત, કૃષિમંત્રી નિર્ણયમાં ફેરવિચારણા કરે તેવી પ્રબળ માંગ, 36 જેટલા સરપંચોએ લેટરપેડ પર લખીને સમર્થન આપ્યું, સર્વે ટીમએ બાદબાકી કરતા ખેડૂતો આક્રમક મૂડમાં
સિહોર તાલુકા મથકમાં કમોસમી વરસાદ વરસતા ઠેર-ઠેર વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામેલ છે. તેમ છતાં તંત્ર દ્વારા રાહતના પેકેજમાં સમાવેશ કરવામાં ન આવતા અસરગ્રસ્ત ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. આજે જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહની હાજરીમાં રજુઆતો થઈને સિહોર તાલુકાને રાહતના પેકેજમાં સમાવેશ કરવા માંગ થઈ છે ગુજરાત રાજયમાં હાલ ઉનાળામાં છાસવારે વરસાદ પડી રહ્યો છે તેના લીધે ઠેર-ઠેર કપાસ, ડુંગળી,ચણા સહિતના ખેતીપાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતા ખેડૂતો ચિંતામગ્ન બની ગયા હતા. દરમિયાન આ ગંભીર બાબતે જે તે નુકશાનગ્રસ્ત વિસ્તારોના ખેડૂત સંગઠનોના અગ્રણીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજુઆતને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા આ માવઠા તથા વાવાઝોડાના નુકશાન માટે રાહતના પેકેજની ઘોષણા કરવામાં આવેલ છે.
ગત પખવાડીયામાં સમગ્ર રાજયની સાથોસાથ સિહોર તાલુકાના ૭૮ ગામોમાં પણ માવઠુ વરસતા વિવિધ ખેતીપાકને નુકશાન થવા પામેલ છે. તેમ છતાં સર્વેની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના અન્ય અસરગ્રસ્ત તાલુકાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. જયારે મહત્વના ગણાતા સિહોર તાલુકાની તે સર્વેમાં બાદબાકી કરવામાં આવતા અસરગ્રસ્ત ખેડૂતોને વધુ એક આર્થિક ફટકો વેઠવાનો વખત આવ્યો છે. સરકારના આ હળાહળ અન્યાય સામે હવે સત્તાધારી સ્થાનિક નેતાઓ મેદાને પડ્યા છે અને સિહોરનો સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. રાજય કક્ષાના મંત્રીના વિસ્તારને જ બાદબાકી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે રાહત પેકેજમાં સિહોરનો સમાવેશ કરવા ભાજપ અગ્રણીઓ દ્વારા જ રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પાઠવી સરકારના નિર્ણયમાં ફેરવિચારણા કરી અસરગ્રસ્તોને રાહત પેકેજના લાભ મળે તેવી તેવી માંગ કરી છે.