Offbeat
આખા વ્હાઇટ હાઉસને પોતાની અંદર સમાવી લે તેવો મોટો રહસ્યમય ખાડો બન્યો ચીલી માં

દક્ષિણ અમેરિકાના ચીલી દેશના ઉત્તર ભાગમાં બનેલા એક વિશાળ ખાડાએ દુનિયાનું ધ્યાન દોર્યુ છે. રાજધાની સેનટિયાગોથી 700 કિમી દૂર કોપરની ખાણ પાસે બે સપ્તાહ પહેલા સિંકહોલ બન્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સિંકહોલનો વ્યાસ 25 મીટર જેટલો છે. અચાનક જ ફરજ પરના અધિકારીઓનું સિંક હોલ પર ધ્યાન પડતા શોધ-સંશોધન શરુ કરવામાં આવ્યું છે.
ચિલીના નેશનલ સર્વિસ ઓફ જિયોલોજી વિભાગના જણાવ્યા અનુસાર સિંકહોલ 200 મીટર જેટલો ઉંડો છે અને તેની અંદર કશું જ નથી માત્ર ડાર્કનેસ જ દેખાય છે. આસપાસના વિસ્તારમાં ખનીજ ઉત્પાદન અને ખોદકામ પ્રવૃતિ વધી ગઇ હોવાથી આ સિંકહોલ બન્યો હોવાની ચર્ચા છે પરંતુ આ બાબતે નિષ્ણાતોએ સાબીતી વગર કશુંદ કહેવાનો ઇન્કાર કર્યો હતો. અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે સિંક હોલ કાસ્ર્ટ ટરેનમાં જોવા મળે છે.
આ વિસ્તારની માટી નીચેની ચટ્ટાનો કુદરતી રીતે જ ભૂગર્ભ જળમાં ભળી જાય છે. જયારે વરસાદનું પાણી માટીની નીચેની ચટ્ટાનો સુધી પહોંચે ત્યારે ચટ્ટાનો ખસકી જાય છે. આ ખસકવાનું પ્રમાણ અસાધારણ થઇ જાય ત્યારે સિંક હોલ બને છે. અમેરિકાના આ નિષ્ણાતોએ ફલોરિડામાં પણ આવા વિશાળ સિંકહોલ જોયા હોવાથી પોતાનું અનુભવ જ્ઞાન જણાવ્યું હતું. જો કે ચિલી ના વૈજ્ઞાનિકો આ સિવાય કોઇ અન્ય કારણ પણ શોધી રહયા છે. છેલ્લા બે અઠવાડિયામાં સિંક હોલની સાઇઝ બમણી થઇ જવાથી તેનું રહસ્ય ઉકેલવા મથી રહયા છે.