Bhavnagar
ભાવનગર જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિઓની સજ્જતા અર્થેની મોકડ્રીલ યોજાઈ
પવાર
મોકડ્રીલમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, બેડની ઉપલબ્ધતા, દવાના જથ્થા સહિતની તમામ સુવિધાઓનુ નિરીક્ષણ કરવામાં આવ્યું : બે દિવસીય કોવિડ મોકડ્રીલ દરમિયાન કોઈપણ ત્રુટી જણાતા તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે
વૈશ્વિક સ્તરે કોવીડ-૧૯ ના કેસો ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા કોવીડ – ૧૯ રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાની અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોના સામેની સજ્જતાની ચકાસણી અર્થેની મોકડ્રીલ યોજાઇ હતી. મોકડ્રીલમાં કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઇ.સી.યુ માં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તારીખ ૧૦ અને ૧૧ એ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મોકડ્રીલમાં કોરોના સામેની સજ્જતાની ચકાસણી કરવામાં આવનાર છે. આ દરમિયાન કોઇપણ વ્યવસ્થામાં ત્રુટિ જણાશે તો તેને સત્વરે દૂર કરવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે રાજ્ય આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલ અને શહેર તેમજ ગ્રામ્ય સ્તરની ખાનગી હોસ્પીટલોમાં બે દિવસીય મોકડ્રીલ યોજાનાર છે. ભાવનગરમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચન્દ્રમણી પ્રસાદ, આર.સી.એચ. ઑફિસર ડો. કોકિલાબેન સોલંકી અપેડેમિક ઑફિસર ડો. સુનિલભાઇ પટેલ દ્વારા સમગ્ર મોકડ્રીલ પર દેખરેખ રાખવામાં આવે છે.