Sihor
સિહોરના સીમાડે મોટા સુરકામાં દીપડો પાંજરે પુરાયો
દેવરાજ
- ફોરેસ્ટ વિભાગની સઘન કવાયત બાદ દિપડો પાંજરામાં, છેલ્લા ચાર-પાંચ દિવસથી વળાવડ સુરકના માનવ વસ્તીવાળા વિસ્તારમાં આટાફેરા વધ્યા હતા
સિહોર તાલુકાના છેવાડાના વિસ્તારમાં રાની પશુઓના આટાફેરા કાયમી બન્યાં છે અને છેલ્લા થોડા દિવસોથી દીપડાએ માનવ વસ્તી નજીક દેખા દેતા વન વિભાગે સતર્કતા વર્તી સુરકા ગામ નજીક ખુલ્લા વિસ્તારમાં પાંજરૂ ગોઠવ્યું હતું જ્યાં રાત્રિના સમયે દીપડો આવી ચડી પાંજરે પુરાયો હતો. મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ડુંગરાળ અને દરિયાઇ પટ્ટ વિસ્તારમાં દીપડાની આવન-જાવન અવાર નવાર વર્તાય છે અને આવી જ પરિસ્થિતિ સિહોર તાલુકાની પણ છે.
સિહોર તાલુકાના વળાવડ સુરકા તરશીંગડા, કરકોલીયા, સોનગઢ નજીકના વિસ્તારોમાં દીપડાના આટાફેરા છેલ્લા લાંબા સમયથી વધ્યા છે અને હાલ છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડો માનવ વસ્તીવાળા વિસ્તારમાં આવી ચડવાના બનાવો પણ બનતા વન વિભાગે દીપડો કોઇ જાનહાની કરે તે પહેલા તેને પકડી પાડવા સુરકા ગામ નજીક આસપાસ પાંજરૂ ગોઠવી દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. જ્યારે રાત્રિના સમયે આ દીપડો આવી ચડતા અને પાંજરામાં ખોરાકની લાલચે ઘુસતા શટર પડી ગયું હતું અને આ દીપડો કોઇ જાનહાની કરે તે પહેલા જ પુરાયો હતો. વન વિભાગે આ દીપડાને એનીમલ સેન્ટર ખાતે ખસેડયો હતો અને વિસ્તારના લોકોએ પણ રાહતનો દમ લીધો હતો.