Ghogha
ઘોઘા ખાતે જીલ્લા કક્ષાનો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો.
પવાર
મંત્રી ભાનુબેન બાબરીયાની સાથે પરસોત્તમભાઈ સોલંકી પણ ઉજવણીમાં જોડાયા, મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેન્ગ્રોવ્સનું પ્રતીકાત્મક વાવેતર કર્યું.
પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. જેથી જ પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા માટે દર વર્ષે ૫ જુને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૩-૨૪ માં દેશમાં ”બીટ પ્લાસ્ટિક સોલ્યુશન“ ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આજના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા MISHTI યોજના ૨૦૨૩-૨૪ અંતર્ગત દેશભરમાં ૧૧ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશના ૭૫ સ્થાનો પર વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
જેમાં ભાવનગર-મહુવાના ૭ સ્થળો પર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા કક્ષાની ઉજવણી ભાવનગરના ઘોઘા ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી . જેમાં મંત્રી પરસોત્તમ સોલંકી તેમજ ધારાસભ્ય સેજલબેન પંડ્યા જોડાયા હતા.
આજે ઉપસ્થિત મહાનુભાવો તેમજ શાળાના બાળકો દ્વારા ઘોઘાના દરિયા કિનારે મેન્ગ્રોવ્સનું પ્રતીકાત્મક વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં આ પટ્ટા પર મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ્સનું વાવતેર કરવામાં આવશે. મેન્ગ્રોવ્સના કારણે દરિયાઈ ખારાશ આગળ વધતી અટકે, મેન્ગ્રોવ્સના કારણે મોટી સંખ્યામાં માછલીઓ પણ ત્યાં ઈંડા મૂકતા તેની સંખ્યામાં ખુબ વધારો થશે તેમજ માછીમારી કરતા માછીમારો માટે પણ અનેક પ્રકારની માછલીઓ આસાનીથી દરિયાઈ કિનારા નજીક મળી રહે જેથી તેની આજીવિકામાં પણ વધારો થશે.
તેમજ મેન્ગ્રોવ્સ વાતાવરણમાં રહેલા કાર્બનને અન્ય વનસ્પતિ કરતા ૧૦ ગણું શોષણ કરી વાતાવરણને વધુ શુદ્ધ બનાવે છે.આ કાર્યક્રમનું આયોજન વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર કલેકટર, ડીડીઓ, જુનાગઢ રેન્જના સીસીએફ ડો.કે.રમેશ સહિતના અધિકારીઓ તેમજ વનવિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.