Bhavnagar
ડમીકાંડથી પણ મોટું કૌભાંડ મળ્યું : યુવરાજસિંહ નવો બોંબ ફોડવા તૈયાર
બરફવાળા
- સોશ્યલ મીડિયા પર નવો વિડીયો મુકતા ખળભળાટ : ડમી પ્રકરણમાં 70ના બદલે 36ના નામ જ કેમ જાહેર થયા? પુરાવા અમારે આપવાના અને સાબિત પણ અમારે કરવાનું?
સરકારી ભરતી પરીક્ષા, ભાવનગરના ડમીકાંડનો ભાંડો ફોડનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ડમીકાંડથી પણ મોટું કૌભાંડ મળ્યાનો અને કોઇને નહીં છોડવાની ચેતવણી આપતો નવો વિડીયો સોશ્યલ મીડીયામાં જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. એનઆઇઓએસમાં કૌભાંડ ચાલે છે, એની સાથે ફોરેસ્ટની પણ એવી ભરતીનું કૌભાંડ ચાલે છે તે સામે લાવવાનો છું. જેમાં પરીક્ષા આપનારો વ્યક્તિ બીજો અને નોકરી કરનારો વ્યક્તિ બીજો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે પણ હું સામે લાવવાનો છું અને બીજી ભરતીઓના કૌભાંડ પર પણ હું કામ કરી રહ્યો છું તેમ જાહેર કર્યુ છે. યુવરાજસિંહે જણાવ્યું કે, એક 32 વર્ષનો યુવાન બિનસચિવાલયની ભરતીમાં ગેરરીતિ થઈ એની માહિતી લઈને આવે છે.
બોક્સ.
- જુનીયર કલાર્કની ભરતીમાં જુના એજન્ટો સક્રિય થઇને ઉઘરાણું કરવા લાગ્યા : ફરિયાદ ન સ્વીકારતી સરકાર બાદમાં પરીક્ષા કેમ રદ્દ કરે છે?
પરંતુ સરકાર એવું કહે છે કે આ માહિતી ખોટી છે અને આમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ નથી. અમે આધાર પુરાવા સાથે એ સાબિત પણ કર્યું કે આમાં ગેરરીતિ થઈ છે અને પછી સરકાર સ્વીકારે છે કે આમાં ગેરરીતિ થઈ છે અને અમે પરીક્ષા રદ કરીએ છીએ. અમારૂ સત્ય અમારે જ સાબિત કરવાનું છે. આ પછી 12 ડિસેમ્બર હેડ કલાર્કની પરીક્ષા હતી. અમે કહ્યું કે, 11 ડિસેમ્બરે પ્રાતિંજના એક ફાર્મ હાઉસમાં પેપર આવી જાય છે અને એના પણ અમે આધાર પુરાવા આપીએ ત્યારે પણ સરકાર એમ કહે છે કે તમે ખોટા છો, અમે તો પુરાવાના પણ પુરાવા આપીએ છે અને સરકાર ત્યારે પણ કહે છે વાત ખોટી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે, જુનિયર કલાર્કની ભરતીમાં પણ અન્ય ઘટનાક્રમ બન્યો. અમે બાતમીના આધારે કહ્યું હતું કે, જુના એજન્ટો એક્ટિવ થયા છે અને ઉઘરાણા કરી રહ્યા છે. જુનિયર કલાર્કનું પેપર ફૂટવાની સંભાવના છે. અમે જ્યારે વાત મૂકી ત્યારે સરકારે કીધું કે અમારે પાસે આવી કોઈ માહિતી જ નથી અને પરીક્ષાના થોડા કલાકો પહેલા કહે છે કે, પેપર ફૂટી ગયું છે અને પરીક્ષા રદ કરીએ છીએ. તે સમયે પણ અમે તમામ પુરાવાઓ આપ્યા હતા. આ જ રીતે ઉર્જા વિભાગ સહિતની અલગ અલગ ભરતીઓમાં થયેલા કાંડ અંગે આધાર પુરાવા આપ્યા છે. પહેલા સરકાર નથી સ્વીકારતી અને પછી માને છે. એક વાત વિચારવા જેવી છે કે, સરકાર તમારી, પોલીસ તમારી, વ્યવસ્થા તમારી અને કરાઈ એકેડમી પણ તમારી અને પછી કોઈ એક વ્યક્તિ સિસ્ટમની અંદર ધૂસી જાય છે અને એના પુરાવા પણ આપ્યા.
- કરાઇ એકેડેમીની સિસ્ટમમાં ખાનગી માણસ ઘુસી જાય અને સરકારને જાણ પણ ન થાય? મેં પૈસા ખાધાના આક્ષેપો હદ બહારના…
અમે આ સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવા માંગીએ છીએ.’હવે જવાબ સરકાર આપે કે અત્યારે જે ડમીકાંડ પકડાયું છે તેમાં 70 કરતા પણ વધારે વ્યક્તિઓ છે. પરંતુ 36ની જ કેમ માહિતી બહાર આવી. તો શું હું એવું માની લઉં કે તમે પૈસા ખાધા છે. છેલ્લા 12 વર્ષથી આ ચાલતું હતું. કોઈ ભરતી બાકી નથી રાખી. આ મહાવ્યાપક કૌભાંડ છે. એ કોઈને દેખાતું નથી અને એને કોઈ ગંભીરતાથી નથી લેતું. પણ હદ તો એ છે કે આ લોકો એ સાબિત કરવા માટે પૂરી સિસ્ટમને કામે લગાડી દીધી છે કે, યુવરાજસિંહે પૈસા ખાધા છે અને તેણે નામ છૂપાવ્યું છે. આ ખરેખર હદ છે.’ ‘સોશિયલ મીડિયા લાઈવ પર યુવરાજસિંહ વધુ એક ધડાકો કરતા કહ્યું કે, મારી પાસે તો આના કરતા પણ ભયાનક સ્કેમની માહિતી છે. હું તેની ઉપર કામ કરી રહ્યો છું અને તેની માહિતી એકઠી કરી રહ્યો છું. પરંતુ સમય અને પુરાવાની જરૂર છે. સમય આવતા જ હું એને જગજાહેર કરવાનો જ છું.