Politics
દિલ્હીનું 78800 કરોડનું બજેટ રજૂ, શિક્ષણ પર સૌથી વધુ ભાર, જાણો આ વખતના બજેટની ખાસિયતોવ
દિલ્હીના નાણા મંત્રી કૈલાશ ગેહલોતે બુધવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે 78,800 કરોડ રૂપિયાનું રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે G-20ની તૈયારીઓ અંતર્ગત 9 યોજનાઓની જાહેરાત કરી. દિલ્હી સરકારનું અગાઉનું બજેટ 75,800 કરોડ રૂપિયા હતું. બજેટમાં સૌથી વધુ ભાર શિક્ષણ પર છે અને તેના માટે સૌથી વધુ 16,575 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2022-23 માટે દિલ્હી સરકારના બજેટનું કદ રૂ. 75,800 કરોડ અને પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 69,000 કરોડ હતું.
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામા બાદ ગેહલોતને નાણા વિભાગની જવાબદારી મળી છે. પોતાના બજેટ ભાષણમાં તેમણે કહ્યું કે, ‘મને વધુ ખુશી થાત જો મનીષ સિસોદિયા બજેટ રજૂ કરે, તેઓ મારા મોટા ભાઈ જેવા છે. આ બજેટ લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓની અભિવ્યક્તિ છે.
ગેહલોતે કહ્યું કે આ સ્વચ્છ, સુંદર અને આધુનિક દિલ્હીને સમર્પિત બજેટ છે, જેમાં આગામી દસ વર્ષમાં 1,400 કિલોમીટરના રોડ નેટવર્કના સમારકામ પર 19,466 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. રાજ્ય સરકારે વિવિધ માળખાકીય પ્રોજેક્ટ માટે રૂ. 2,034 કરોડ ફાળવ્યા છે.
આમ આદમી પાર્ટીની સરકારનું આ સતત નવમું બજેટ છે. તેમણે કહ્યું, “દિલ્હીમાં કચરાના 3 પહાડો દૂર કરવા માટે MCDને તમામ શક્ય મદદ આપવામાં આવશે. તમામ વસાહતોને ગટર સાથે જોડવામાં આવશે અને યમુના નદીને સાફ કરવા માટે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવામાં આવશે.
26 ફ્લાયઓવર પ્રોજેક્ટ્સમાંથી, 10 બાંધકામના તબક્કે છે, જ્યારે 11 માટેની યોજનાઓ UTTIPEC (યુનિફાઇડ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર)ને મંજૂરી માટે મોકલવામાં આવી છે. ગેહલોતે કહ્યું કે કેન્દ્રીય કરમાં દિલ્હીનું મોટું યોગદાન હોવા છતાં, કેન્દ્ર તેને માત્ર 325 કરોડ રૂપિયા આપી રહ્યું છે.
સરકારી શાળાના તમામ શિક્ષકોને ટેબલેટ મળશે
દિલ્હીના બજેટમાં સૌથી વધુ ફાળવણી શિક્ષણ માટે હતી. દિલ્હી સરકાર 2023-24માં રાષ્ટ્રીય રાજધાનીની 350 શાળાઓમાં નવા કોમ્પ્યુટર સ્થાપિત કરવા ઉપરાંત તમામ શિક્ષકો, આચાર્યો, વાઇસ-પ્રિન્સિપાલોને નવા ટેબલેટ આપશે. નાણામંત્રી કૈલાશ ગેહલોતે વર્ષ 2023-24ના દિલ્હીના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 16,575 કરોડ રૂપિયા ફાળવ્યા છે. દિલ્હીના 2022-23ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ 16,278 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
350 શાળાઓમાં 20-20 નવા કોમ્પ્યુટર લગાવવામાં આવશે
દિલ્હી સરકાર હેઠળની 350 શાળાઓમાં પ્રત્યેકમાં 20 નવા કમ્પ્યુટરની સ્થાપના અને વિશેષ શ્રેષ્ઠતા ધરાવતી શાળાઓમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને સ્પેનિશની રજૂઆત એ શિક્ષણ ક્ષેત્ર માટે દિલ્હીના બજેટની વિશેષતા છે.
મંત્રીએ કહ્યું કે 2023માં આંબેડકર વિશિષ્ટ શિક્ષા વિદ્યાલયોની વધુ શાખાઓ ખુલશે. 2021માં વિશેષ શિક્ષણની 20 શાળાઓ હતી, જે 2023માં વધારીને 37 કરવામાં આવશે. ગેહલોતે એ પણ જાહેરાત કરી કે શાળા અને ઉદ્યોગ ‘સ્કૂલ ઓફ એપ્લાઇડ લર્નિંગ’માં બાળકો માટે વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવા માટે સહયોગ કરશે.
આરોગ્ય ક્ષેત્ર માટે 9,742 કરોડ રૂપિયા, 9 નવી હોસ્પિટલો બનાવવામાં આવશે
કૈલાશ ગેહલોતે નાણાકીય વર્ષમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 9,742 કરોડનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગેહલોતે દિલ્હીમાં વર્તમાન ચારમાંથી 100 વધુ મહિલા મોહલ્લા ક્લિનિક્સ વિકસાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ફ્રી મેડિકલ ચેક-અપની સંખ્યા 200 થી વધારીને 450 કરવામાં આવશે, જે પોલિટેકનિક, ડિસ્પેન્સરી અને હોસ્પિટલો તેમજ મોહલ્લા ક્લિનિક્સમાં ઉપલબ્ધ હશે. ગેહલોતે જાહેરાત કરી છે કે નવ નવી હોસ્પિટલો બનાવવામાં આવશે અને ચાર આ વર્ષથી કાર્યરત થશે. શહેરમાં હોસ્પિટલ બેડની સંખ્યા 14,000 થી વધારીને 30,000 કરવામાં આવશે.
પરિવહન ક્ષેત્ર માટે રૂ. 9,333 કરોડ
ગેહલોતે ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે 9,333 કરોડ રૂપિયા ફાળવ્યા. મહિલાઓ માટે મફત બસ મુસાફરી ચાલુ રહેશે. લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે સરકાર 1,500 ઈ-સ્કૂટર રજૂ કરશે. એપ આધારિત પ્રીમિયમ બસ એગ્રીગેટર સ્કીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના અને કંવર શિવર પણ ચાલુ રહેશે.
દિલ્હી સરકારે પેન્શન માટે રૂ. 200 કરોડના પ્રસ્તાવ સાથે સામાજિક સુરક્ષા માટે રૂ. 4,744 કરોડનું બજેટ ફાળવ્યું છે.