Gujarat
૧૫૬ બેઠકના સરતાજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલનો ગઈ કાલે ૬૮મો જન્મ દિવસ : અઢી વર્ષમાં ગુજરાતમાં ઐતિહાસિક સિદ્વીઓ
કુવાડિયા
૨૦ જુલાઈ ૨૦૨૦માં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૯૦ ટકા બેઠકો જીતી સપાટો બોલાવ્યો હતો ; ગાંધીનગર મહાપાલિકાથી લઈ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ફતેહ કરી : ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો જીતી
૨૦ જુલાઈ-૨૦૨૦ના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટિલનું નામ જાહેર થયું ત્યારે ભાજપના નેતાઓ પણ માથું ખંજવાળતા થઈ ગયા હતા. મહારાષ્ટ્રના વતની એવા પાટિલ ગુજરાતમાં શું ઉકાળશે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી હતી. નવસારીના સાંસદ તરીકે રેકોર્ડબ્રેક મતથી જીતતા પાટિલ ઉપર હાઈકમાન્ડે વિશ્વાસ મૂક્યો હતો અને ગુજરાતની કમાન સોંપી હતી. સ્પષ્ટવક્તા અને પ્રયોગો કરવા માટે જાણીતા પાટીલે ગુજરાત ભાજપની કાયાપલટ કરી નાખશે તેવું કોઈએ વિચાર્યું પણ નહી હોય. લાગવગ વિના સામાન્ય કાર્યકરને ટિકીટ મળી શકે છે તે ચીલો પાટિલે જ પાડ્યો હતો અને જેના કારણે આજે વિધાનસભા ગૃહમાં ૮૦ જેટલા ધારાસભ્યો એવા છે કે જેઓ પહેલીવાર ચૂંટાઈને આવ્યા છે. સી.આર.પાટિલે ૨૦૨૦માં ગુજરાત ભાજપનું સૂકાન સંભાળ્યું ત્યારે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી હતી અને આશ્ચર્યજનક રીતે પાટિલે નો રિપીટ થિયરી અમલી કરી હતી. શરૂઆતમાં ખૂબ હોહા થઈ હતી અને ભાજપના જ દિગ્ગજ નેતાઓ અંદરખાને નારાજ જણાયા હતા. જાે કે, પાટિલે એ કોઈની પરવાહ કરી નહોતી અને નવોદિત ઉમેદવારો ઉપર ભરોસો મૂક્યો હતો અને એ ભરોસો સાચા અર્થમાં અસરકારક સાબિત થયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ૯૦ ટકા બેઠકો જીતીને વિપક્ષના સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં. પાટિલ ભાજપના ચાણક્ય ગણવામાં આવી રહ્યા છે
અને ગુજરાતમાં તેમના નેતૃત્વમાં એક પછી એક અનેક ચૂંટણીઓમાં ભવ્ય જીત મળતી ગઈ છે. હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં પણ વડાપ્રધાન મોદીએ પાટિલના ભરપૂર વખાણ કર્યા હતા અને પેજ પ્રમુખ અને વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમની સરાહના કરીને બિરદાવ્યા હતા. અઢી વર્ષમાં પાટિલે ગુજરાતમાં પાછું વળીને જાેયું નથી અને એક પછી એક સફળતાની સીડી ચઢતા ગયા છે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી અમલી કરીને સૌને ચોંકાવી દીધા હતા અને પરિણામ આવ્યું ત્યારે ભાજપના મોટા નેતાઓ પણ અવાક રહી ગયા હતા. ભાજપમાં પેજ સમિતિ હોય કે પેજ પ્રમુખોની વાત હોય કે વન ડે વન ડિસ્ટ્રીક્ટનો કાર્યક્રમ હોય એ બધું પાટિલને આભારી છે. પાટિલના નેતૃત્વમાં છેલ્લે ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં પાટિલે પોતાનો પાવર બતાવ્યો હતો અને ગુજરાતના ઈતિહાસમાં રેકોર્ડબ્રેક ૧૫૬ સીટ જીતી હતી. પાટિલ ભાજપના ચાણક્ય ગણાય છે અને ગુજરાતમાં તેમના વધેલા કદની દરેકે નોંધ લેવી પડે છે. ચૂંટણીઓમાં વિરોધીઓના સૂપડાં સાફ કરવામાં પાટિલ માહેર થઈ ગયા છે અને તેમની રણનીતિ સામે ભલભલા નેતાઓની રણનીતિ ફ્લોપ સાબિત થઈ ચૂકી છે. ૧૫૬ સીટ જીત્યા પછી પણ પાટિલ શાંતિથી બેસે એ નેતા નથી, તેમણે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તમામે તમામ ૨૬ લોકસભાની સીટ જીતવાનો હૂંકાર પણ કરી દીધો છે. માત્ર અઢી વર્ષમાં ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક સિદ્વી અપાવનાર પાટિલને આગામી સમયમાં કેન્દ્રમાં પણ મોટું સ્થાન મળી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ વ્યક્તિ તરીકે પાટિલની ગણના થાય છે અને તેમણે પોતાની કાબેલિયત સિદ્વ કરી બતાવી છે.