Bhavnagar
ભાવનગર ડમીકાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા ; કુલ ધરપકડનો આંક 42 પર પહોંચ્યો
બરફવાળા
ગુજરાતમાં ચાલી રહેલા ડમીકાંડની તપાસમાં ભાવનગર પોલીસે ઝંપલાવતા અનેક ખુલાસા થયા છે. ત્યારે આ મામલે ફરિયાદમાં કુલ 36 આરોપીના નામ જોગ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીની આજરોજ ભાવનગર એસ.ઓ.જી.એ ધરપકડ કરી છે. આમ હવે ડમીકાંડમાં ધરપકડનો આંક કુલ 42 સુધી પહોંચ્યો છે જ્યારે કુલ 58 આરોપીની નામ ખુલી ગયા છે. મળતી માહિતી મુજબ ભાવનગરના ડમીકાંડમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર એસ.ઓ.જી. દ્વારા આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઈસોરા ગામના આરોપી કવિતકુમાર નિતીનભાઈ તળાજાના અભિષેકકુમાર હરેશકુમાર તળાજાના વિમલભાઈ બટુકભાઈની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર પોલીસની SIT દ્વારા ચાલી રહેલી તપાસમાં હજુ પણ કેટલાક શખ્સોની સંડોવણી ખુલે તેવા અહેવાલો મળી રહ્યા છે. ભાવનગરના ડમીકાંડમાં અસલી ઉમેદવારના બદલે નકલી ઉમેદવાર પરીક્ષા આપી સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોવાનું ખુલ્યું છે.
આ મામલાનો ખુલાસો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવતા જ સરકાર અને પોલીસ વિભાગમાં રીતસરનો ખળભળાટ મચી ગયો હતો. આ મામલાની તપાસ માટે ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. ડમીકાંડ મામલે ભાવનગર SITએ તપાસ હાથ ધરતા મોટું કૌભાંડ ખુલ્યું છે. જેમાં કુલ 42 આરોપીની ધરપકડ થઈ છે જ્યારે કુલ 58 જેટલા આરોપીના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં 36 વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય આરોપીઓની પોલીસે તપાસ કરી ધરપકડ કરી છે. હાલ પોલીસ ટેકનોલોજીનો સહારો લઈ હોલ ટિકીટમાં લાગેલા ફોટા ચેક કરી તેના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરવા માટે કાર્યરત છે. સાથે જ આ કાંડમાં ઝડપાયેલા કેટલાક સરકારી નોકરી મેળવી ચૂકેલા આરોપી પણ ઝડપાયા છે. જેમાં એક કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં પી.એસ.આઈ.ની ટ્રેનિંગ લઈ રહેલા આરોપી પણ સામેલ છે.