Bhavnagar
મ્યુચ્યુઅલ ફંડ મારફત શેરબજારના રોકાણમાં ભાવનગર, સહિત ગુજરાતના 11 શહેરોનો ડંકો

કુવાડીયા
- જુન માસમાં 2.51 લાખ કરોડ ઠલવાયા : સમગ્ર દેશનાં ટોપ-30 શહેરોમાંથી 11 ગુજરાતના
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ગુજરાતનાં ઈન્વેસ્ટરોનું રોકાણ સતત વધતુ રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડોમાં ‘એસેટસ અંડર મેનેજમેન્ટ’ (એયુએમ)માં રાજયના ભાવનગર સહીત 11 શહેરોમાં 24.6 ટકા વધુ નાણાં ઠલવાયા હતા. રાષ્ટ્રીય સ્તરે 21 ટકાના વૃદ્ધિદર કરતા પણ તે વધુ રહ્યા હતા. એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડઝ ઈન ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા આંકડાકીય રીપોર્ટ પ્રમાણે જુનમાં મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશનાં ટોપ-20 માંથી 11 શહેરો ગુજરાતના હતા. આ 11 શહેરોમાંથી મ્યુચ્યુઅલ ફંડોમાં 2.51 લાખ કરોડનું રોકાણ થયુ હતું. મહત્વની વાત એ છે કે, એક જ રાજયનાં 11 શહેરો ટોપ-30 માં સામેલ થયા હોય તેવુ એકમાત્ર રાજય ગુજરાત છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, આણંદ, વલસાડ, વાપી, ભરૂચ તથા નવસારી શહેરો આ લીસ્ટમાં સામેલ છે. ગુજરાતમાંથી મ્યુચ્યુઅલ ફંડના એયુએમમાં જેટલુ કુલ રોકાણ થયુ હતું તેમાંથી 71 ટકા માત્ર આ 11 શહેરોનું હતું. જુનમાં ગુજરાતમાંથી મ્યુચ્યુઅલ ફંડોમાં 3.06 લાખ કરોડનું રોકાણ ઠલવાયું હતું.
તેમાંથી 46 ટકા અર્થાત 1.39 લાખ કરોડ માત્ર અમદાવાદમાંથી જ ઠલવાયા હતા. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાંથી રોકાણમાં 12.1 ટકાની વૃધ્ધિ થઈ છે.સુરતમાં જુન 2022 ની સરખામણીએ જુન 2023 માં રોકાણ 30.1 લાખ વધ્યુ છે. નાણાંકીય સલાહકારોનાં કહેવા પ્રમાણે રીટેઈલ ઈન્વેસ્ટરોનાં નવા રોકાણને કારણે મોટાભાગનાં શહેરોમાંથી મ્યુચ્યુઅલ ફંડોના એયુએમમાં નાણાંપ્રવાહ વધી ગયો છે. સુરત, વડોદરા, રાજકોટ, જેવા શહેરોમાં રીટેઈલ ઈન્વેસ્ટરોની સંખ્યા ઘણી મોટી છે.છેલ્લા ચાર મહિનામાં શેરબજારમાં તગડી તેજી જોવા મળી હોવાથી રીટેઈલ ઈન્વેસ્ટરોનુ આકર્ષણ વધ્યુ છે. આ ઉપરાંત એસઆઈપી મારફત પણ મોટુ રોકાણ થતુ હોવાથી એયુએમનું કદ વધી રહ્યું છે. માત્ર રીટેઈલ ઈન્વેસ્ટરો જ નહીં, હાઈનેટવર્થ રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડ મારફત રોકાણ કરે છે. અમદાવાદનાં ઈન્વેસ્ટરોનું 50 ટકા રોકાણ ઈકવીટીમાં જયારે બાકીનું ડેટ તથા વીકવીડ સ્કીમોમાં થાય છે.