Gujarat
હિમાચલમાં બાઈક ટ્રેકિંગમાં નીકળેલા ગુજરાતના 14 યુવાનોનો 4 દિ’થી સંપર્ક નથી

કુવાડિયા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે કેન્દ્રને મેસેજ પાઠવ્યો કોઈ કેમ્પમાં પહોંચી ગયા છે કે કેમ ? કોઈ માહિતી ન હોવાથી પરિવારજનો ચિંતીત
હિમાચલ પ્રદેશમાં બાઈક ટ્રેકિંગમાં નીકળેલા ગુજરાતના 14 યુવાનો છેલ્લા 4 દિવસથી સંપર્ક વિહોણા થતા આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે કેન્દ્રને મેસેજ કરી જાણ કરી છે. શક્તિસિંહે ગોહિલે જણાવ્યું છે કે, આપણા 14 જેટલા ગુજરાતી બાઇક સાથે મનાલીથી લઈને ત્રિલોકનાથ સુધીના ટ્રેક માટે નીકળ્યા હતા. અતિ ચિંતાનો વિષય છે કે, 9 જુલાઈથી આ મિત્રોનો છેલ્લો સંપર્ક થયો છે પછી સંપર્ક થઈ શકતો નથી. મને તેમના પરિવારના સભ્યો તરફથી જાણ કરવામાં આવી છે. ગુજરાતના આ યુવાનોમાં યશ નીતિનભાઈ વરિયા, સાગરભાઈ, સિદ્ધાર્થ પટેલ, વિવેક પટેલ, પાર્થ ઝવેરભાઈ પટેલ સહિતના યુવાનોનો સમાવેશ થાય છે. મારી પાસે તમામ યુવાનોની પૂરેપૂરી ડિટેઇલ છે. ત્યાં બાઇક ભાડે લઈને જવાના હતા તેમાં યશ વરિયા પાસે બાઇક છે તેનો નંબર ઇંઙ 669518 છે. આ મિત્રો મનાલી પાસે સલામત રીતે પહોંચ્યા હતા. મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 જુલાઈએ પહોંચ્યા હતા. 9 જુલાઈથી ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નિકળ્યા છે. પરંતુ હજી સુધી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી એટલે સ્વાભાવિક રીતે પરિવારો પણ ખૂબ ચિંતિત છે. આ યુવાનો કોઈ કેમ્પમાં છે કે કયાં છે ? તેની જાણકારી નથી કેન્દ્ર સરકાર તાત્કાલીક યુવાનોનો પરિવારજનો સાથે સંપર્ક કરાવે લાભ મેળવે તેની માંગણી કરી છે.