Sihor
તંત્ર ક્યારે જાગશે ; સિહોરના મેઇન બજારમાં બે ભૂરાયા થયેલા આખલાઓએ આંતક મચાવ્યો

દેવરાજ
દિવસેને દિવસે વધતા ઢોરના ત્રાસથી શહેરીજનોને ભારે હાલાકી, ઢોરને પકડવા ઉઠી માંગ, ભૂરાયા ઢોરને પકડવા તંત્ર ક્યારે ભૂરાયુ થશે? પ્રજા લાચાર, મેઈન બજાર આસપાસ બે ભૂરાયા આખલાઓએ વિસ્તારને માથે લીધો, ભારે ત્રાસ યથાવત
સિહોર શહેરમાં જાહેર માર્ગો પર રઝળતાં ઢોરને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ આખલા અને પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા બની ચુક્યા છે. નગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આજે સવારે સિહોરની મુખ્ય બજારમાં બે ભૂરાયા આખલાઓએ વિસ્તારને માથે લઈને ધમાસણ મચાવ્યુ હતું. છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા બીનવારસી પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતો હોય શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડે છે.
શહેરની તમામ મુખ્ય બજારોમાં, શાકમાર્કેટમાં તેમજ શેરી મહોલ્લાઓ,ચોકમાં તેમજ હાઈવે ઉપર આ પશુઓ અડીંગો નાખીને કલાકો સુધી પડયા પાથર્યા રહેતા હોય ત્યાંથી પસાર થવામાં વાહનચાલકોને અને ખાસ કરીને રાહદારીઓને હેરાનગતિ ભોગવવી પડે છે. જયા જુઓ ખાસ કરીને ઉકરડાઓની આસપાસ આખલાઓના ટોળાઓ નજરે પડતા હોય છે. આ આખલાઓ છાસવારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ઢીંક મારવા દોટ મુકતા હોય છે. ત્યારે લોકોમાં તંત્રવાહકોની કાર્યપધ્ધતિની આકરી ટીકાઓ થઈ રહી છે. રઝળતા ઢોરને પકડવા તંત્ર ક્યારે જાગશે તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે.