Gujarat
ભારતીય બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતી

પ્રાસંગિક બરફવાળા
બાબાસાહેબ તરીકે જાણીતા ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. અસ્પૃશ્યતા અને જાતિ પ્રતિબંધો જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના આંબેડકરના પ્રયાસો નોંધપાત્ર હતા. બાબાસાહેબે દલિતોના ઉધ્ધાર માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા જેથી તેઓને દલિતોના તારણહાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ખરા અર્થમાં તેઓ રાષ્ટ્રના તારણહાર. 1913માં વડોદરાના મહારાજાએ તેમને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી. આથી. તેઓ અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ અને પીએચડી પૂર્ણ કરવા અમેરિકા ગયા. બાદમાં, તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં પ્રવેશ મેળવ્યો જયાં તેમણે ડોકટરલ થીસીસ પર કામ શરૂ કયુર્ં. બાબા સાહેબ જીવનમાં ધાર્મિક શિક્ષણ અને ધર્મનું મહત્વ અતિ જરૂરી છે તેવું તેઓ દ્રઢપણે માનતા હતા. બુધ્ધિશાળી ભીમરાવ આંબેડકરનું બાળપણ ખુબ જ મહેનતું હતું. તે સમયે પ્રવર્તતી અસ્પૃશ્યતા નામની સામાજિક બીમારીની વિકૃતિ આંબેડકરને ખુંચતી હતી. ભારત પરત ફર્યા બાદ તેઓ મુંબઈમાં રાજકીય અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા. 1919માં આંબેડકરે સરકાર પાસેથી અસ્પૃશ્ય અને અન્ય પછાત સમુદાયો માટે અનામતની માંગણી કરી.
આંબેડકરે વ્યવસાયની સાથે સમાજ સુધારકની ઉમદા ભૂમિકા અદા કરી. 1927 સુધીમાં, આંબેડકરે ઘણી જાહેર ચળવળો અને કૂચ સાથે અસ્પૃશ્યતા વિરુધ્ધ સક્રિય ચળવળો શરૂ કરવાનું નકકી કયુર્ં. અસ્પૃશ્ય સમુદાયમાં આંબેડકરની આગવી ઓળખ અને લોકપ્રિય સમર્થનને કારણે, તેમને 1932માં લંડનમાં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને દલિતો માટે અમુક અનામતની ખાતરી આપવામાં આવી. 15 ઓગષ્ટ 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી સરકારે આંબેડકરને દેશના પ્રથમ કાયદા પ્રધાન તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું જે તેમણે સ્વીકાયુર્ં. 29 ઓગષ્ટના તેઓ બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત થયા અને ભારતનું નવું બંધારણ બનાવાની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને આંબેડકરે દેશને સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું. લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં તેમના ઘરે લાંબી નિંદ્રામાં પોઢી ગયા. તેમના જન્મ દિવસને આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 1990માં તેમને મરણોત્તર ભારતરત્ન એનાયત કરાયો. મહામાનવ ડો. આંબેડકરને વંદન.. જય ભીમ.. નમો બુધ્ધાય..