Sihor
રખડતા ઢોરની અડફેટે હોમાતી અમૂલ્ય જિંદગી ; રખડતાં ઢોરનો ત્રાસ યથાવત, સિહોરના સિંધી કેમ્પમાં સાત વર્ષના બાળકને હડફેટ લીધું

પવાર
સિહોર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા ગંભીર બનવા છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે જ્યારે લોકરોષ ફાટી નીકળે ત્યારે ઔપચારિક રીતે રખડતા ઢોરને પકડીને છોડી મૂકવામાં આવે છે. પરંતુ આ રખડતા ઢોરને કારણે અનેક લોકની આખો મિચાઈ ગઈ છે. છતાં પણ હજુ તંત્રની આંખો ખુલતી નથી.ખુદ સત્તાધારી પક્ષના લોકો પણ રખડતા ઢોરનો ભોગ બન્યા હોવા છતાં પણ હજુ સુધી તેનો કોઈ ઉકેલ લાવ્યા નથી. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે. અને ગંભીર ઘટનાઓ બનતી જ રહે છે.
ત્યાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે સિંધી કેમ્પ વિસ્તારમાં હડકાઈ બનેલા ઢોરે ૭ વર્ષના બાળકને હડફેટે લેતા ગંભીર ઇજા થવા પામી હતી. સાંજે પાંચ વાગ્યા આસપાસ અચાનક એક હડકાઈ બનેલ ઢોરે મેદાનમાં રમતા સાત વર્ષના બાળકને હડફેટે લઈ લીધો હતો. છાતીના ભાગે પાટા મારી ભારે ઇજા પહોંચાડી હતી. આસપાસના લોકોએ મહામહેનતે બાળકને મોતના મુખમાંથી છોડાવી ને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્ત બાળકને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીંદગી ગુમાવી છે. અને હજુ પણ ઢોરની અડફેટે ગંભીર ઘટનાઓનો સીલસીલો શરૂ જ છે. ક્યારે કોનો પરિવાર રાહ જોતો રહી જશે કોઈને ખ્યાલ નથી. પરંતુ આ રખડતા ઢોરનો ભોગ બનતા પ્રજાજનોનો અવાજ તંત્રના કાને અથડાતો નથી.