Gujarat
અમરેલીમાં વન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ! નાઈટ પેટ્રોલીંગ હાથ ધરવાનું કારણ છે કઈક આવું

સૌરાષ્ટ્રની શાન ગણાતા વનરાજાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે સિંહ દર્શનના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના ગ્રામ્ય પંથકોમાં ગેરકાયદે સિંહ દર્શન કરવામાં આવી રહ્યું છે જેના કારણે સિંહોની પજવણી પણ કરવામાં આવે છે. ત્યારે અમરેલી સહિતના ગ્રામ્ય પંથકોમાં વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સિંહોને ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા દિવસ-રાત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં 11 તાલુકામાં સિંહનો વસવાટ છે. હાલ તહેવારો હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો તહેવારની ઉજવણી માટે આવ્યા છે. ત્યારે યુવા વર્ગ સિંહ દર્શન કરવા માટે રાતે ઉજાગરા કરીને ગેરકાયદેસર સિંહ દર્શન કરે છે. આ દરમિયાન પજવણી કરતા હોવાના અનેક કિસ્સા સામે પણ ભૂતકાળમાં આવેલા છે. ત્યારે તહેવારને લઇને વન વિભાગ ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દિવાળીને લઈને ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા માટે વનવિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી સહિતના જિલ્લામાં સિંહ હોવાથી સિંહની પજવણી ન થાય તે હેતુસર ખાસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ હોવાથી આજુબાજુના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી લોકો સિંહ દર્શન માટે આવે છે. અનેક લોકો ગેરકાયદેસર અને કાયદેસર સિંહ દર્શન કરતા હોય છે. યુવા વર્ગ રાત્રી ના સમય સિંહ દર્શન માટે રેવન્યુ વિસ્તારમાં રજળપાટ કરતા હોય છે. સાવરકુંડલા તાલુકાના વિજપડીથી ઠવી રોડ પર મોટા સોસરિયા, મિતિયાળા, રાઉન્ડ, સહિતના વિસ્તારમાં રાત્રીના સમયે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને સિંહ ની પજવણી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે માટે સતત નજર રાખવામાં આવી રહી છે.