Sihor
સિહોર સહિત સમગ્ર રાજ્યમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ આ વર્ષે ડબલ ; રવિવારે ઉજવાશે ટાઢી સંક્રાંત

દેવરાજv
મકરસંક્રાંતિમાં મોંઘવારી : પતંગ દોરામાં 25થી 30 ટકા અને ચીકીમાં 15 ટકાનો વધારો : હવે પંખીઓ માટે કંટ્રોલરૂમ શરૂ થશે
સિહોર સહિત રાજ્યમાં હવે દિનપ્રતિદિન પતંગ ઉજવણીનો ઉત્સાહ વધતો રહ્યો છે ત્યારે આગામી ઉત્તરાયણ પર્વને ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. આ વર્ષે શનિવારે તા. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના બીજા દિવસે રવિવારની જાહેર રજા હોય ટાઢી સંક્રાંતે પણ ઉજવણી થવાની અને અમદાવાદની જેમ સિહોર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસ લોકોનો સ્વયંભુ પતંગમહોત્સવ ઉજવવા ઉત્સાહ જોવા મળશે, જાન્યુઆરીમાં આકાશ એકંદરે સ્વચ્છ રહેવા સાથે પવનની સાનુકૂળ ગતિ રહેતી હોય પતંગ ચગાવવા મોકળુ મેદાન મળી રહે છે તેમજ ઉત્તરાયણે દાન-પૂણ્ય કાર્યની સાથે પતંગનું મહત્વ વધ્યું છે.
બીજી તરફ પતંગ-દોરાના ભાવમાં 30 ટકા જેવો વધારો થયો છે. ચાઈનીઝ માલ હવે જાહેરમાં વેચાતો નથી. પતંગ-દોરા-ફીરકી ઉપરાંત આ વખતે ચીકીના ભાવમાં પણ ૧૫ ટકા જેવો વધારો થયો છે. આગામી સપ્તાહ ઘરાકી નીકળવાની સંભાવના છે બજારમાં રૂ।. 700- 800થી માંડીને રૂ।. 5000 સુધીની દોરી-ફીરકી મળે છે તો પતંગો રૂ।. 10થી માંડીને રૂ।. 500 સુધીની વેચાય છે. જો કે, હવે યુવાનોમાં પતંગોની સાથે ચશ્મા,ટોપી,ગુંદર પટ્ટી, દિલ આકારના ફૂગ્ગા વગેરેનો પણ ક્રેઝ છે, રાજકોટમાં તો ઉત્તરાયણની રાત્રે આતશબાજીના દ્રશ્યો પણ જોવા મળે છે.
છૂટાછવાયા સ્થળે નાના ભુલકાંઓ અત્યારથી પતંગ સાથે નજરે પડે છે પરંતુ, તા. 10 પછી પતંગો ઉડવાનું શરૂ થશે. પતંગોના કારણે પંખીઓને ઈજા થવાનું જોખમ વધી જાય છે જેના પગલે જીવદયાપ્રેમી સંસ્થાઓ તથા સરકાર દ્વારા પણ આગામી દિવસોમાં પંખીઓની સારવાર માટે કંટ્રોલરૂમ શરૂ કરાશે.