Sihor
કડક કાર્યવાહી ; સિહોર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરાઇ

દેવરાજ
કરવેરા નહીં ભરનારા મોટા બાકીદારોનાં નળ કનેક્શન કાપવાની તેમજ મિલકત જપ્તી સહિતની કાર્યવાહી થશે
સિહોર પાલિકા દ્વારા કરવેરા વસુલાત સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મોટા બાકીદારોને ખાસ અંતિત નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં કરવેરા નહિ ભરનાર ઇસમો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરાશે. સિહોર નગરપાલિકાની વર્ષ 2021-22નાં વર્ષ માટે કરવેરાની વસુલાત કરવાની કામગીરીને લઇ નગરપાલિકાની વસુલાત શાખા સહિતના તમામ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી ટીમ પાડી ડોર ટુ ડોર બાકીદારોની કરવેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકા દ્વારા શહેર તમામ મિલકત ધારકોને કરવેરા માંગણા નોટિસની બજવણી કરી દેવામાં આવી હતી. મિલકત ધારકોને માગણા બિલ ઇસ્યુ થઇ ગયા હોવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો ભરવામાં ન આવતા નગરપાલિકાની વસૂલાત શાખા દ્વારા ડોર ટુ ડોર સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ ન કરનારા મોટા બાકીદારોને માંગણાની ખાસ અંતિત નોટીસો આપી દેવામાં આવી છે.
જયારે ન.પા.દ્વારા આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે લાલ આંખ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નગરપાલિકા વસુલાત શાખા દ્વારા બાકીદારોને ટેક્ષ ભરી જવા અપીલ પણ કરવામાં આવી છે. પાલિકા ટેક્ષ ઇન્સ્પેક્ટર રાજુભાઇ ટીંબલિયાએ જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કરવેરાની અસરકારક વસુલાત માટે બાકીદારોને નોટીસો આપી દેવામાં આવી છે તેમ છતા કરવેરો નહિ ભરેલ મિલ્કતોના નળ કનેક્શનો કાપવામાં આવશે મિલ્કત જપ્તી, સિલ સહિતની કડક કાર્યવાહી હાથ ધરાશે.