Sihor
સિહોર – સુકા મેવા અને વસાણાનાં ભાવમાં જોવા મળ્યો 10 થી 20 ટકાનો ભાવ વધારો

દેવરાજ
- સિહોર પંથકમાં મોડી ઠંડી પડતા ધરાકી જોવા મળતી નથી, જાન્યુઆરીમાં ઉતરાયણ તેમજ કમુરતા ઉતરે પછી તેજી આવવાની વેપારીઓને આશા
સિહોર પંથકમાં આ વર્ષે ઠંડીની સિઝન મોડી શરૂ થવાથી સુકા મેવા-વસાણાની બજાર ઉપર તેની અસર જોવા મળી છે. ઓછી ઠંડીને કારણે સુકામેવાનો વપરાશ ઓછો જોવા મળતા વેપારીઓને ત્યાં ઘરાકી ઓછી રહી હતી. જોકે જાન્યુઆરીમાં ઉતરાયણ તેમજ કમુરતા ઉતરે પછી તેજી આવવાની વેપારીઓને આશા છે. હાલ,સુકા મેવા અને વસાણાની કેટલીક ચીજોમાં સરેરાશ 10 થી 20 ટકાનો ભાવ વધારો હોવાનું જાણવા મળેલ છે. ઠંડીની ઋતુ શિયાળામાં કાળાતલનું કચરીયુ, અડદીયા પાક, ગાજરનો હલવો, સીંગપાક,ચિકી, સુંઠની લાડુડી સુખડી વિગેરે ખાવાથી શરીરને હુંફ મળે છે, અને શક્તિ મળે છે. શક્તિવર્ધક એવી આ બધી ચીજોમાં નાખવા માટેનાં કાજુ બદામ, જાયફળ, ગંઠોળા, સુંઠ કે ગુંદર જેવા સુકામેવા અને વસાણાનો ખુબ ઉપયોગ થતો હોય છે.
પરંતુ આ વર્ષે શિયાળાની ઠંડી મોડી શરૂ થતા અત્યાર સુધી વસાણા અને સુકા મેવાની બજારમાં સુસ્તી જોવા મળી હતી. ડિસેમ્બરનાં છેલ્લા અઠવાડીયા સુધી, અને પોષ મહીનાની શરૂઆત સુધી ઝાલાવાડ પંથકમાં ખાસ ઠંડી પડી નહોતી, અને સતત મિશ્રઋતુ જેવું વાતાવરણ અનુભવાતુ હતુ. પોષ મહીનાની શરૂઆત બાદ થોડોઘણો ઠંડીમાં વધારો થયો છે પરંતુ હજુપણ કડકડતી ઠંડીનો અહેસાસ થતો નથી પરિણામે, ઠંડી મોડી પડવાથી તેની સીધી અસર સુકામેવા-વસાણા બજાર ઉપર પડતા મંદી જેવો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ કેટલીક ચીજોમાં સરેરાશ 10થી 20 ટકાનો ભાવવધારો જોવા મળ્યો છે. અંજીર, કાજુ, પિસ્તા અને ગુંદર જેવી ચીજોમાં આ ભાવ વધારાની અસર જોવા મળી છે સુકામેવા-વસાણાનાં હોલસેલ વેપારી જણાવે છે કે, અત્યાર સુધી ઓછી ઠંડીને કારણે બજારમાં ઓછી ઘરાકીનો માહોલ હતો. કમુરતા પણ ચાલી રહ્યા છે. પરંતુ જાન્યુરઆરી મહીનામાં મકરસંક્રાંત ઉપર તેમજ કમુરતા ઉતર્યા પછી તેજી નીકળવાની આશા છે.