International
રશિયા ટૂંક સમયમાં કરશે સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય, પુતિને કહ્યું – મોસ્કોને અસ્થિર કરવાની યોજના નિષ્ફળ જશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે કેટલાક માનસિક રીતે બીમાર લોકો રશિયાને અસ્થિર કરવા માંગે છે, પરંતુ આપણે તેમની યોજનાને સફળ ન થવા દેવી જોઈએ. પોતાની કેબિનેટના સભ્યોને સંબોધતા પુતિને કહ્યું કે આપણે કોઈ પણ સંજોગોમાં દેશને બદમાશોથી બચાવવાનો છે.
સમગ્ર ઘટના પર સુરક્ષા પરિષદની નજર
પુતિને કહ્યું કે સુરક્ષા પરિષદ ટૂંક સમયમાં જ સમગ્ર પ્રકરણ પર વિચાર કરશે અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેશે. રશિયન સેનાએ શુક્રવારે ફરીથી યુક્રેનની રાજધાની કિવ પર હવાઈ હુમલો કર્યો. યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ રશિયાની 30 ક્રુઝ મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
જણાવી દઈએ કે, કેટલીક મિસાઈલ-ડ્રોન ટાર્ગેટ પર ટકરાઈ હોવાના અને કેટલાકને કાટમાળથી નુકસાન થવાના સમાચાર છે. છેલ્લા છ દિવસમાં કિવ પર રશિયાનો આ છઠ્ઠો હુમલો હતો. દરમિયાન, રશિયાએ જણાવ્યું હતું કે તેના સરહદી વિસ્તાર બેલગોરોડમાં યુક્રેનિયન ગોળીબારમાં બે લોકો માર્યા ગયા છે અને બે ઘાયલ થયા છે. રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન બંદર શહેર બર્દ્યાન્સ્ક પર યુક્રેનિયન સેનાના ગોળીબારના સમાચાર છે. આ ગોળીબારમાં નવ લોકો ઘાયલ થયા છે, કેટલાક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે.
‘પશ્ચિમી દેશોએ યુક્રેનને શસ્ત્રોની સપ્લાય બંધ કરવી જોઈએ’
યુક્રેનમાં ચીનના વિશેષ દૂતે પશ્ચિમી દેશોને યુક્રેનને શસ્ત્રોની સપ્લાય બંધ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે આનાથી યુક્રેન યુદ્ધ ભડકાવી રહ્યું છે અને યુદ્ધવિરામની શક્યતાઓ નબળી પડી રહી છે. ખાસ દૂત લી હુઈએ કહ્યું કે અમેરિકા અને યુરોપીયન દેશો દ્વારા ટેન્ક અને મિસાઈલની સપ્લાય રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણાની શરુઆતમાં અવરોધ ઉભી કરશે તેવી અપેક્ષા છે.
જણાવી દઈએ કે, ચીને હજુ સુધી યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી નથી, પરંતુ તેણે કહ્યું છે કે તે આ યુદ્ધમાં તટસ્થની ભૂમિકામાં છે, તેથી જ તે ત્યાં શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું છે. લી હુઈએ કહ્યું કે યુક્રેનના અધિકારીઓ શાંતિ મંત્રણા માટે તૈયાર છે, રશિયાએ પણ અનિચ્છા દર્શાવી નથી, પરંતુ વાતચીત ક્યારે શરૂ થશે તે હજુ નિશ્ચિત નથી.