Bhavnagar
ભાવનગરમાં કોળી સમાજનો હુંકાર, 72 બેઠકો ઉપર કરી ટિકિટની માંગ

પાટીદારો જેવો વોટ પાવર ધરાવતા સમાજે 72 બેઠકો પર માંગી ટિકિટ, ભાજપ કોંગ્રેસે કરવું પડશે મંથન : વધુ ટિકિટ આપનાર પક્ષને કોળી સમાજનું સમર્થન: ઋષિ ભારતીબાપુ
મિલન કુવાડિયા
ગુજરાતમાં પાટીદાર જેટલું જ વર્ચસ્વ ધરાવનાર કોળી સમાજે પણ ગુજરાતની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર ટિકિટની માંગ કરી છે.ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી બાજુ તમામ સમાજ પોતાના સમાજના પ્રતિનિધિને ટિકિટ મળે એ માટેની માંગ કરી રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં કોળી સમાજે પણ ટિકિટ મળે તેવી માંગ કરી છે. ભાવનગરમાં કોળી સમાજની ગઇકાલે શિવશક્તિ હોલ ખાતે એક ચિંતન શિબિર યોજાઈ હતી.
આ શિબિરમાં મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુ સહિત કોળી સમાજના 4 વિવિધ સંગઠનોના આગેવાનો હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન ઋષિ ભારતી બાપુએ ટિકિટને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ગુજરાતની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર કોળી સમાજને હક છે તો તેને ન્યાય મળવો જોઈએ. સમાજને જે પક્ષ ટિકિટ વધુ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે.
છેલ્લા 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી.’ અત્રે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોળી સમાજ એ પણ ગુજરાતની મોટી વોટબૅન્ક ગણાય છે અને એ કઈ તરફ ઝૂકે છે તેની પર તમામ રાજકીય પક્ષોની નજર હોય છે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય અગાઉ બોટાદ જિલ્લામાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું
જેમાં કોળી સમાજના આગેવાનો ઉપરાંત ભારતીબાપુ આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ પણ વિશેષ હાજરી આપી હતી. આ સંમલેનમાં પણ તેઓએ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી તરીકે હોવો જોઇએ. કારણ કે કોળી સમાજ એ રાજ્યનો સૌથી મોટો સમાજ છે અને વિધાનસભાની અડધી બેઠકો પર તે પ્રભુત્વ ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને અન્યાય થઇ રહ્યો છે. આથી હવે સમાજને સંગઠિત થઇ તાકાત બતાવવાનો સમય આવ્યો છે.