Bhavnagar
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર ડિપોઝિટ બચાવી શકશે નહીં – શક્તિસિંહ ગોહિલ
મિલન કુવાડિયા
કેજરીવાલનું સંપૂર્ણ રાજકારણ મીડિયામાં ખોટા પ્રચારના દમ પર જ ટકેલું છે : આપ’ને અમે જરા પણ પડકાર ગણતાં નથી : ઉત્તરાખંડ અને ગોવામાં પણ આવા જ આક્રમક દાવાઓ કર્યા’તા; આવ્યું કશું જ નહીં: શક્તિસિંહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ભાવનગરના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે મોટો દાવો કરતાં કહ્યું કે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ બચાવી શકે તેવું મને લાગી રહ્યું નથી. તેમણે કહ્યું કે કેજરીવાલનું સંપૂર્ણ રાજકારણ મીડિયામાં ખોટા પ્રચારના દમ પર જ ટકેલું છે. જો તેમના ખોટા પ્રચારને હટાવી દેવામાં આવે તો તેમની પાસે જનતાને બતાવવા માટે કશું જ નથી. શીલા દીક્ષિત સરકારે દિલ્હીને એક સરપ્લસ બજેટવાળું રાજ્ય બનાવ્યું હતું પરંતુ ત્યારબાદ પણ કેજરીવાલ અહીંના લોકોને 200 યુનિ વીજળી ફ્રી આપી શક્યા નથી.
ચોર દરવાજાનો ઉપયોગ કરતાં હવે જનતા પાસેથી આ છૂટ પરત લેવામાં આવી રહી છે. આખરે લોકોએ કેજરીવાલનું શું બગાડ્યું છે ? કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બિલકુલ પડકાર ગણી રહી નથી. તેની તમામ દાવેદારી મીડિયામાં જ જોવા મળી રહી છે. તેઓ ગુજરાતમાં એટલા જ સફળ થઈ શકશે જેટલા ઉત્તરાખંડ અને ગોવામાં થયા હતા. ઉત્તરાખંડ અને ગોવામાં પણ તેઓ આ પ્રકારના દાવાઓ કરી રહ્યા હતા જાણે કે સરકાર તેમની જ બનવા જઈ રહી હોય પરંતુ થયું શું ? તેના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ ગઈ હતી. તેના મુખ્યમંત્રીપદનો ઉમેદવાર પણ ભાજપમાં જોડાઈ ગયો હતો. હિમાચલ પ્રદેશમાં પણ તેમના પક્ષપ્રમુખ ભાજપમાં ચાલ્યા ગયા છે. આવી જ હાલત ગુજરાતમાં થવાની છે.