Bhavnagar
ભાવનગરમાં આવેલ મોતીબાગ ટાઉનહોલનો કઈક આવોક છે ભવ્ય ઇતિહાસ
મોતીબાગ ટાઉનહોલનું બાંધકામ ૧૯૩૧ માં થયું હતું. આ સુંદર ભવ્ય અને આકર્ષિત ઇમારતની સ્થાપત્ય શૈલી ઈંન્ડો-સરસેનિક સ્થાપત્ય શૈલી છે. ભાવનગર રાજ્યના શાસકોએ આ શૈલીની ભવ્ય સુંદર ઇમારતો બંધાવી હતી ભારતીય મુઘલ અને ગ્રીક સ્થાપત્ય શૈલીની સંમિશ્રણ યુક્ત ઇમારતો ભાવનગર શહેરના સુંદર સ્થાપત્ય આભૂષણો સમાન છે આ ઇમારતમાં સ્તંભો, બારીઓ, ગુંબજ, મહેરાબ, સુંદર કિસ્ટોન વગેરે જેવાં સુંદર સુશોભનો છે. જેટલી સુંદરતા અને ભવ્યતા આ મોતીબાગ ટાઉનહોલની છે એવા જ ભાવનગર અને ભારતના લોકો ગૌરવ લઈ શકે એવા બે પ્રસંગોનો રસપ્રદ ઇતિહાસ પણ આ ઈમારત સાથે જોડાયેલો છે
મોતીબાગ ટાઉનહોલમાં ભાવનગર રાજ્યના લોક મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી નો તા. ૧૮/૪/૧૯૩૧ નાં રોજ રાજ્ય અભિષેક થયો હતો. રાજ્ય અભિષેક અંગે રાજ્યના એક ઉચ્ચ અધિકારીને ઉત્તર આપતાં મહારાજાશ્રીએ કહ્યું હતું કે, રાજ્યભિષેક એ રાજાની પ્રજા પ્રત્યેની જવાબદારીઓની ઘોષણા છે આ રાજ્ય અભિષેક સમયે રાજ્યની બધી જ ઓફિસોમાં રજા રાખવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓને સાકર અપાઈ હતી તથા ૧૫ તોપોની સલામી ઝીલવામાં આવી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રાજ્યભિષેક સમયે ખેડૂતોને જમીન હક, ખેડૂતોના વારસદારોને હક (દીકરીને પણ હક) રવાનગી જકાતમાં માફી, ભાયાતો-ગરાસીયાઓના દેવા સાત ટકાને બદલે છ ટકા, ભાયાતોની ગામની શાળાનું ૫૦% ખર્ચ માફ, ખેડૂતોની પાછલી રકમ માફ, દરબારશ્રીએ આપેલ લોનનું વ્યાજ માફ, રાજ્યમાં કેળવણી મફત, પુસ્તકાલય માટે એક લાખ રૂપિયાનું અનુદાન, ભારત બહાર અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થી માટે એક લાખ રૂપિયાની બક્ષિસ વગેરે જેવી અનેક પ્રજા કલ્યાણની ઘોષણાઓ કરી હતી. આ રાજ્ય અભિષેક એ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓની ઘોષણાઓનો પ્રસંગ હતો પ્રજાવત્સલ મહારાજાની પ્રજા પ્રત્યેની કર્તવ્ય ભાવનાનો પ્રસંગ હતો.
મોતીબાગ ટાઉનહોલનો બીજો પ્રસંગ સમગ્ર દેશના શાસકો અને ભારતની એકતા અને લોકશાહી વ્યવસ્થાને સમર્પિત પ્રસંગ હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ જ ટાઉનહોલમાં તા. ૧૫/૧/૧૯૪૮ ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર રાજ્યને ભારત સંઘની રચનામાં સૌ પ્રથમ સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર ટાઉનહોલ ત્રિરંગા ધ્વજોથી સુશોભિત કરવામાં આવ્યો હતો. ચાંદીની ખુરશીઓમાં બે મહાપુરુષો એક પોતાના રાજ્યને ભારત સંઘમાં સોંપીને ધન્યતા અનુભવી રહ્યાં હતાં. તો બીજા ભારત સંઘ નિર્માણનાં શુભ પ્રારંભથી આનંદિત હતા. ભાવનગર રાજ્યના વડાપ્રધાન તરીકે શામળદાસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રી બળવંતરાય મહેતાની પસંદગી થઈ હતી.