Sihor
સોનગઢ નજીક એકલીયા મહાદેવ પાસે આવેલ હનુમાનજી મંદિરમાંથી પીત્તળના ઘંટની ચોરી કરતો શખ્સ ઝડપાયો

પવાર
- સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પાલિતાણાના શખ્સને દબોચી લેવાયો, સોનગઢ-પાલિતાણા રોડ પર આવેલા પહાડી હનુમાનજી મંદિરમાં સાડા ત્રણ માસ પૂર્વે બનેલો બનાવ, એક શખ્સ હજુ ફરાર
સિહોર નજીક આવેલ સોનગઢ પાલિતાણા રોડ પર એકલિયા તળાવની સામે આવેલ પહાડી હનુમાનજી મંદિરમાંથી સાડા ત્રણ માસ પૂર્વે બે નાસ્તિક તસ્કરોએ પીત્તળના ઘંટની ચોરી કરી હતી. જેમાં પોલીસે પાલિતાણાના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક તસ્કરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર તાલુકાના સોનગઢ-પાલિતાણા રોડ પર આવેલા એકલિયા તળાવની સામે પહાડી હનુમાનજી મંદિરમાંથી ગત તા.૨૭-૯-૨૦૨૨ના રોજ કોઈ અજાણ્યા શખ્સોએ આશરે પાંચેક કિલો વજનના પીત્તળના ઘંટની ચોરી કરી હતી. દરમિયાનમાં સાંજના સમયે મંદિરમાં સેવાપૂજા કરતા અને પાલિતાણા કોર્ટમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સંજયકુમાર વિનોદકુમાર રવિસાહેબ (ઉ.વ.૩૯, રહે, ભારત પેટ્રોલપંપ પાછળ, સોનગઢ) આરતી કરવા આવતા પીત્તળના ઘંટની ચોરી થયાનું જણાયું હતું.
જેથી મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બે શખ્સ પીત્તળના ઘંટની ચોરી કરી લઈ જતાં હોવાનું જણાતા આ બનાવ અંગે સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ આદરી ગઈકાલે ઈરફાન ઉર્ફે મુન્નો ઈસાભાઈ ખંભાતી (રહે, પાલિતાણા) નામના શખ્સને પીત્તળના ઘંટ સાથે ઝડપી લીધો હતો. સાડા ત્રણ માસ પૂર્વે થયેલી ચોરીની ઘટનામાં એક તસ્કર ઝડપાયા બાદ પોલીસે સંજયકુમાર રવિસાહેબની ફરિયાદ નોંધી અન્ય એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.