Sports
IND vs SL: ભારત સામેની સૌથી મોટી હારની સમીક્ષા કરશે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ , 5 દિવસમાં માંગ્યો રિપોર્ટ
શ્રીલંકા ક્રિકેટ (SLC) એ રાષ્ટ્રીય ટીમના મેનેજરને રવિવારે તિરુવનંતપુરમમાં ત્રીજી ODIમાં ભારત સામે શ્રીલંકાની શરમજનક હાર અંગે રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. વિરાટ કોહલી અને શુભમન ગિલની સદીઓથી ભારતે શ્રીલંકાને 317 રનથી હરાવીને ODI ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી હતી અને રવિવારે આયર્લેન્ડ સામે ન્યુઝીલેન્ડના અગાઉના 290 રનના રેકોર્ડને તોડવામાં મદદ કરી હતી.
ભારતના 390 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા 22 ઓવરમાં માત્ર 73 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રિપોર્ટમાં કેપ્ટન, મુખ્ય કોચ, પસંદગી પેનલ અને ટીમ મેનેજરના મંતવ્યો સામેલ હોવા જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, SLC એ ટીમ મેનેજરને પાંચ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા વિનંતી કરી છે. આ અહેવાલ શ્રીલંકા ક્રિકેટને અંતિમ ODIમાં ટીમના નિરાશાજનક પ્રદર્શનની સમીક્ષા કરવા અને સમજવા માટે સક્ષમ બનાવશે.”
તિરુવનંતપુરમ વનડેમાં શ્રીલંકાની ટીમ બેટિંગમાં કે બોલિંગમાં કોઈ અસર છોડી શકી નથી. શરૂઆતમાં બોલરોને મદદ મળી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી.
બાદમાં આ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવતા વિરાટ કોહલી અને શુભમન ગીલે પોતાની સદી પૂરી કરી અને ટીમ ઈન્ડિયાને 390 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી. વિરાટ કોહલીએ 110 બોલમાં 166 અને શુભમન ગિલે 116 રન બનાવ્યા હતા. બોલિંગમાં મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈને શ્રીલંકાના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. જેના કારણે શ્રીલંકાની ટીમ માત્ર 73 રન જ બનાવી શકી હતી.