Gujarat
અમદાવાદ જિલ્લાના ધોળકામાં પરિવારે ઝેર પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પિતા-પુત્રના મોત

ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક પરિવારે ઝેર પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિતા-પુત્રનું મોત નિપજ્યું છે, જ્યારે માતા અને અન્ય એક પુત્રની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાના મફતપુરની રામદેવનગર સોસાયટીમાં રહેતા કિરણભાઈએ તેમના પત્ની નીતાબેન અને બે પુત્રો હર્ષ અને હિરેન સાથે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તમામને સારવાર માટે ધોળકાની શરણમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કિરણભાઈ અને તેમના પુત્ર હિરેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નીતાબેન અને હર્ષ હાલ સારવાર હેઠળ છે.
મૃતક કિરણભાઈ મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી હતા.
આ અંગેની માહિતી મળતા જ ધોળકા ટાઉન પોલીસનો કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ મૃતક કિરણભાઈ મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામના વતની હતા અને કોથ GEDમાં નોકરી કરતા હતા.
હાલમાં ધોળકા પોલીસે પરિવારે ઝેર પી લીધું તેનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.