Business
HCL-રિલાયન્સ સાથે મળીને સેમિકન્ડક્ટર બનાવશે, બંને ISMCમાં 30-30 ટકા હિસ્સો ખરીદી શકે છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને HCL ટેક્નોલોજીસ સેમિકન્ડક્ટર સ્પેસમાં પ્રવેશ કરી શકે છે. બંને કંપનીઓ ISMC એનાલોગમાં 30-30 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક રાહતોની જાહેરાત કરી છે. તેનાથી સેમિકન્ડક્ટર સેક્ટરમાં સ્થાનિક કંપનીઓનો રસ વધી રહ્યો છે.
રિલાયન્સ અને HCL ISMC એનાલોગમાં રૂ. 4,000 કરોડથી વધુનું રોકાણ કરી શકે છે. આ માટે બંને કંપનીઓ વચ્ચે અલગ-અલગ વાતચીત ચાલી રહી છે. જો સોદો પાર પડે તો રિલાયન્સ અને HCL ISMC એનાલોગમાં સ્થાન મેળવી શકે છે. રિલાયન્સના આ સોદાનો હેતુ એ છે કે તે દેશમાં મોટાભાગની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન તૈયાર કરવા માંગે છે. રિલાયન્સ હાલમાં શ્રીપેરુમ્બુદુર અને તિરુપતિમાં Google સાથે ફીચર ફોન અને સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે. સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ ફોનમાં પણ થાય છે.
સેમિકન્ડક્ટર માર્કેટ 16-18 ટકાના દરે વધી રહ્યું છે
ભારતમાં સેમિકન્ડક્ટર માર્કેટ 16-18 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી રહ્યું છે. આમાં ખાસ કરીને ડિજિટલ અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને કારણે વેગ મળ્યો છે. ભારતમાંથી સેમિકન્ડક્ટર્સની મોટા પાયે નિકાસની પણ સંભાવના છે. આથી આ ક્ષેત્રમાં રોકાણકારોનો રસ જળવાઈ રહેશે.
ચીન અને તાઈવાન વચ્ચેના તણાવનો ફાયદો થશે
ભારત આ ઉદ્યોગને એવા સમયે પ્રોત્સાહન આપી રહ્યું છે જ્યારે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ વધી ગયો છે. વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ચિપ નિર્માતા તાઇવાનની TSMC છે. તાઈવાન ભારત સાથે ઈલેક્ટ્રોનિક્સ અને ચિપ બનાવવાના ક્ષેત્રમાં સહયોગ વધારવા ઈચ્છે છે. સરકારનો ઉદ્દેશ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ઇકોસિસ્ટમ બનાવવાનો છે. તે PLI તરફથી 18 ક્ષેત્રોને ઉત્પાદન સપોર્ટ પૂરો પાડે છે, જેમાંથી કેટલાકે મોટી સફળતા હાંસલ કરી છે.