Gujarat
સરકારે અદાણીને વધારે ચૂકવી દીધા 3900 કરોડ ; કોંગ્રેસે કહ્યું, ED-CBI કરે તપાસ
મિલન કુવાડીયા
ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર અદાણી ગૌતમને લઈને ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા…. શક્તિસિંહ ગોહિલે આજે ભાજપ સરકારને ઘેરી
ગુજરાતની ભાજપ સરકાર ભય મુક્ત ભ્રષ્ટાચાર અને માનિતા ઉદ્યોગપતિને માલા માલ કરી સરકારની તિજોરી પર લુંટ ચલાવતી હોવાના આક્ષેપો સાથે આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સીધી કઠેડામાં મૂકી દીધી છે. શક્તિસિંહ ગોહિલે ઉઠાવેલા પ્રશ્નો સાચા હોય તો ગુજરાતમાં આ મામલો આગામી સમયમાં વધુ વકરે તેવી સંભાવના છે. કોંગ્રેસ પહેલીવાર આક્રમક મૂડમાં જોવા મળી છે. શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગ આવે એનો વિરોધ નથી પણ ગુજરાત અને પ્રજાની લૂંટ થાય તો કોંગ્રેસ ચુપ ના રહે. હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ભાજપની સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે, કોંગ્રેસ આ મામલો લોકસભાની ચૂંટણીમાં ઉઠાવે તો પણ નવાઈ નહીં કારણ કે અત્યારથી કોંગ્રેસ GUVNLને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ નહીં પરંતુ ગુજરાતમાં GUVNL ને ગૌતમ ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ કહેવામાં આવતી હોવાનું જણાવી રહી છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે આજે પ્રથમવાર ભાજપ સરકારને ઘેરી છે. પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે, પ્રજાની તિજોરી પર થતી લૂંટ અટકાવવા જવાબદાર વિપક્ષ તરીકે એક ડોકયુમેન્ટ રજૂ કરી રહ્યો છું.
ગુજરાત સરકારે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે PPA (પાવર પરચેઝ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં એક શરત હતી કે ઈન્ડોનેશિયામાંથી જે પણ કોલસો આવશે એ એનર્જી ચાર્જિસ અદાણી પાવર મુંદ્રા લિમિટેડને તેની નિશ્ચિત કિંમતના આધારે આપવામાં આવશે. PPAમાં લખવામાં આવ્યું હતું કે અદાણી જે પણ કોલસો ખરીદશે, તે તેની સ્પર્ધાત્મક બિડ અને બિલ પેપર સરકારને આપશે, જેની સરકાર આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણ સર્કિટ સાથે સરખામણી કરશે. પરંતુ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડે 5 વર્ષ સુધી કોઈ દસ્તાવેજો સબમિટ કર્યા નથી અને સરકાર એનર્જી ચાર્જીસના નામે કરોડો રૂપિયા ચૂકવતી રહી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વતી અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને એક પત્ર લખવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તમે અમને દસ્તાવેજો નથી સોંપી રહ્યા. પરંતુ અમે તમને 5 વર્ષમાં 13,802 કરોડ આપ્યા છે, જ્યારે અમારે તમને માત્ર 9,902 કરોડ આપવાના હતા. પત્રમાં વિનંતી કરવામાં આવી હતી કે અમે તમને 3,900 કરોડ રૂપિયા વધુ આપ્યા છે, તમે તેને પરત કરો. શક્તિસિંહ ગોહિલે તો આ પ્રેસ કોન્ફરન્સમાં GOV એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત નહીં ગવર્મેન્ટ ઓફ ગૌતમ પણ કહી દીધી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, આ મની લોન્ડરિંગ સિવાય બીજું કંઈ નથી. પ્રજાના રૂપિયાની 3 હજાર 900 કરોડની લૂંટ થઈ છે. ED અને CBIએ ગુજરાતમાં ધામા નાખવા જોઈએ. ગુજરાત સરકાર અને ભારત સરકારે આ મુદ્દે જવાબ આપવો જોઇએ. આ પ્રેસ કોન્ફરન્સ બાદ વિવાદ વધે તો પણ નવાઈ નહીં. ગુજરાત સરકારનો આ મામલે ખુલાસો આવી શકે છે. અદાણી એ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ખરેખર સરકાર તરફથી 3900 કરોડ રૂપિયા વધારે ચૂકવાયા હોય તો આ કોને ઇશારે ચૂકવાયા એ પણ એક સવાલ છે કારણ કે સરકારમાંથી એક પણ રૂપિયાનું બિલ પાસ કરવા માટે મંજૂરીઓની જરૂર પડતી હોય છે. ઘણાની એવી ફરિયાદો છે કે સરકારમાં કામ કર્યા બાદ પૈસા કઢાવવા માથે પાણી આવે છે અહીં તો ઉલટી ગંગા વહી છે. સરકારે 3900 કરોડ રૂપિયા વધારે ચૂકવી દીધા છે અને હવે પરત મેળવવા માટે પત્રો લખી રહી છે. હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી કોંગ્રેસ આ મામલે સરકાર પર પસ્તાળ પાડે તો નવાઈ નહીં. હવે જોવાનું એ પણ રહેશે કે સરકાર આ મામલે કયા પ્રકારના ખુલાસા કરે છે.