Business
GDP ગ્રોથ ઘટશે, 4.6 ટકા રહેવાનો અંદાજ, SBIએ રિપોર્ટ જાહેર કર્યો
દેશના જીડીપી ગ્રોથને લઈને ઈકોનોમિસ્ટ દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 4.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. તેમનું કહેવું છે કે 30 મહત્વપૂર્ણ આંકડાઓના સંકેતો એટલા મજબૂત નથી જેટલા તે અગાઉના ક્વાર્ટરમાં હતા. જોકે, આ અંદાજ આરબીઆઈના 4.4 ટકા વૃદ્ધિ દરના અંદાજ કરતા વધારે છે.
આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો થવાનું કારણ કંપનીઓના ત્રિમાસિક પરિણામો સારા નથી. બેંકો, નાણાકીય સેવાઓ અને વીમા કંપનીઓને બાદ કરતાં અન્ય કંપનીઓનો ઓપરેટિંગ નફો નવ ટકાના ધીમા દરે વધ્યો હતો. જે ગયા વર્ષના 18 ટકાની સરખામણીએ અડધો છે.
SBI ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે અહેવાલમાં જણાવ્યું હતું કે ચોખ્ખા વેચાણમાં 15 ટકાનો વધારો થયો હોવા છતાં નફામાં લગભગ 16 ટકાનો ઘટાડો થયો છે. ઘોષે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ 2022-23 માટે વૃદ્ધિ દર સાત ટકા રહેવાની શક્યતા છે, જે અગાઉના 6.8 ટકાના અંદાજ કરતાં વધુ છે.
સરકાર 28 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 માટે જીડીપીના આંકડામાં સુધારો કરે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત, 2019-20, 2020-21, 2021-22ના ત્રિમાસિક આંકડાઓમાં પણ સુધારાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં પણ જીડીપી વૃદ્ધિ દરના આંકડામાં સુધારો થવાની સંભાવના છે.
રિપોર્ટ અનુસાર એવું લાગે છે કે કાચા માલની ઊંચી કિંમતને કારણે કંપનીઓનું માર્જિન દબાણ હેઠળ છે. નાણાકીય સેવા કંપનીઓને બાદ કરતાં લગભગ 3,000 લિસ્ટેડ કંપનીઓના પરિણામોમાં આ પ્રતિબિંબિત થાય છે. નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં માર્જિન ઘટીને 11.9 ટકા થયું, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં 15.3 ટકા હતું. તેનાથી ત્રીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ દર ઘટી શકે છે. દરમિયાન, ઈન્ડિયા રેટિંગ્સે રિપોર્ટમાં જણાવ્યું છે કે 2023-24માં જીડીપી વૃદ્ધિ દર 5.9 ટકા રહેવાનો અંદાજ છે, જે મોટાભાગના અંદાજો કરતાં ઓછો છે.