Ahmedabad
પરિવર્તન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ, ભાજપની સત્તાયાત્રાનો અંત : શકિતસિંહ
અમદાવાદ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી નામ આપી, સરદારને અન્યાય કરાયો : આર્થિક અનામત આવકાર્ય, પણ શિક્ષણનું વ્યાપારીકરણ દુઃખદ : મેં બનાવ્યું ગુજરાત કેમ્પેઇન સકટનો ભાર શ્વાન તાણે જેવું : શકિતસિંહના પ્રહારો
કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, કોંગ્રેસની પરિવર્તન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, એ જોતા કહી શકાય કે ગુજરાતમાં ભાજપની સત્તાયાત્રા પૂર્ણતાના આરે આવી છે. પરિવર્તન યાત્રાના રાજકોટ પ્રવેશ પ્રસંગે ભાજપ પર પ્રહાર કરતા શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ભ્રષ્ટ અને નબળા શાસકોથી ગુજરાત થાકી ગયું છે. આગામી ચૂંટણીમાં પરિવર્તન નક્કી જ છે. શ્રી ગોહિલે કહ્યું હતું કે, કોંગ્રેસે સરદાર સાહેબને ક્યારેય અન્યાય કર્યો નથી. ભાજપે જ સરદારને અન્યાય કર્યો છે.
અમદાવાદ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવું એ બાબત સરદારને અન્યાય સમાન છે. મેં બનાવ્યું ગુજરાત કેમ્પેઇન અંગે શ્રી ગોહિલે કહ્યું હતું કે, ગુજરાતીઓ અને ગુજરાતના લોહીમાં વિકાસ છે. જે સમયે ભાજપનો જન્મ ન હતો થયો ત્યારે પણ ગુજરાતીઓ સાત સમંદર પાર વ્યાપાર કરતા હતા. મેં બનાવ્યું ગુજરાત કેમ્પેઇન સકટનો ભાર શ્વાન તાણે જેવું છે. આપ અંગે શકિતસિંહે જણાવ્યું હતું કે, કોંગ્રેસને તોડવાના ઉદ્દેશથી મેદાનમાં આવેલો આ પક્ષ વાસ્તવમાં સ્પર્ધામાં જ નથી. ગુજરાતીઓ તેમને સારી રીતે ઓળખે છે. આર્થિક અનામતના ચુકાદા અંગે તેઓએ જણાવ્યું હતું કે, ચુકાદો આવકાર્ય છે, પણ ગુજરાતમાં શિક્ષણનું વ્યવસાયીકરણ થયું તે સામાન્ય માણસને અન્યાયી છે.