Sihor
સિહોર ટાણા ચોકડી આસપાસ હાઇવે પર મોતના ખાડાઓ ; માર્ગ મકાન વિભાગ ખુલ્લી આંખે તમાશો જુએ છે

પવાર
રાજકોટ-ભાવનગર હાઇ-વે પરના ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ ; તંત્ર માત્ર દેખાવ ખાતર ખાડાઓને રિપેર કરે પછી ફરી જેમના તેમ ; બસ સ્ટેન્ડથી આગળ ટાણા ચોકડી અને તેમની આસપાસ લાંબા સમયથી પડેલા મોટા ખાડાઓ તંત્રને દેખાતા નથી
સિહોરમાંથી પસાર થતાં ભાવનગર રાજકોટ રાજય ધોરી માર્ગ પર બસ સ્ટેશનથી આગળ જતાં પેવન પાસે મોટા-મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાને રિપેર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતા વાહનચાલકોમાં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. દર વરસે ચોમાસુ આવે એટલે બસ સ્ટેન્ડ પાસે ખાડા પડી જાય છે. ચોમાસું પૂરું થાય એટલે તંત્ર દ્વારા માત્ર દેખાવ ખાતર આ ખાડાઓને રિપેર કરવામાં આવે છે પરંતુ આ વરસે ચોમાસું વીતી ગયું અને શિયાળો પણ શરૂ થઇ ગયો.
આમ છતાં પણ માર્ગ અને મકાન વિભાગ હજી કુંભકર્ણી નિદ્રામાં હોય તેમ આ ખાડાઓને રિપેર કરવા માટે કોઇજ કાર્યવાહી હાથ ધરાઇ નથી. સિહોરમાં પેવન પાસે ખાડા પડી જવાની આ કાયમી સમસ્યાનો અંત ક્યારે આવશે એવું સિહોરવાસીઓ અને આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં ચર્ચાઇ રહ્યું છે. અહીંથી પસાર થનારને કોઇ ગામડાંમાંથી પસાર થઇ રહ્યા હોય એવી અનુભતિ થાય છે. સિહોરએ રાજ્યના પાલિતાણા, ગારિયાધાર, સાવરકુંડલા, અમરેલી, કચ્છ-ભુજ, રાજકોટ, જામનગર, મોરબી,પોરબંદર, બાબરા, દ્વારકા સહિતના અનેક નાના-મોટા શહેરો તરફ જવા-આવવા માટેનું કેન્દ્રબિંદુ છે.
સિહોરમાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. વાહનચાલકોને ટાણા ચોકડી પાસેથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓ દિવસે –દિવસે વધી રહ્યા છે. આ રોડ પરથી આગેવાનો પણ પસાર થાય છે. પણ બધા ચૂપચાપ આ અન્યાય સહન કરી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ સાવ નિંભર બની ગયું છે. નેતાઓ અને જનતાએ તંત્રના કાન આમળવા જ રહ્યા. આ બાબત બેહદ ગંભીર છે. માર્ગ અને મકાન વિભાગ આ ખાડાને વહેલામાં વહેલી તકે રિપેર કરી, લોકોની હાલાકી દૂર કરે તે અત્યંત જરૂરી બની ગયું છે.