Kutch
કચ્છમાં સર્વત્ર તારાજી-તબાહી: તોતીંગ કન્ટેનરો ‘પતા’ની જેમ ઉડયા
બરફવાલ
કાચા-પાકા મકાનોના છાપરા ઉડયા:368 ઘરોને નુકશાન: વૃક્ષો-થાંભલાઓ ધરાશાયી થવાની સંખ્યા ‘હજારો’માં:બિહામણા દ્રશ્યો
બિપોરજોય વાવાઝોડાએ કચ્છનાં સાગરકાંઠે ત્રાટકીને પારાવાર તારાજી સર્જી છે.વાવાઝોડા ટકરાયાના હવે તબાહીના બિહામણા દ્રશ્યો બહાર આવ્યા છે. સરકાર-તંત્ર દ્વારા આગોતરી પૂર્વ તૈયારી કરીને જાનહાની રોકવામાં સફળતા મેળવવામાં આવી હોવા છતાં માલ-મિલકત-ઈન્ફ્રાસ્ટ્રકશનને જંગી નુકશાન અટકાવી શકાયું નથી. જખૌ નજીક ત્રાટકેલા પવનની તાકાત કેટલી હશે તેનો અંદાજ બંદર પર ખડકાયેલા કન્ટેનરોનાં હાલહવાલ પરથી આવી જાય છે. કાગળના પતાની જેમ કન્ટેનરો ઉડયા-ફંગોળાયા હતા. આજ રીતે કાંઠા પર સલામત રીતે રાખવામાં આવેલી બોટો પણ દરીયાના પાણીમાં સરકીને રાક્ષસી મોજાની થપાટમાં હાલકડોલક થવા લાગી હતી.
તોફાની પવનમાં બહાર નીકળવાની હિંમત નહોતી છતાં કેટલાંક સ્થળોએ પાર્ક કરેલા વાહનો પણ ફંગોળાયા હતા. વાવાઝોડાની એન્ટ્રી વખતનાં તથા ત્યારપછીનાં જખૌની તારાજીનાં દ્રશ્યો બિહામણા હતા.વૃક્ષો-વિજથાંભલા તૂટી પડવાની ઘટનાઓનો હજારોમાં અંદાજવામાં આવે છે. સ્થળાંતરીત કરાયેલા હજારો લોકોને વાવાઝોડામાં આંચ આવી ન હતી. પરંતુ તેઓનાં 368 જેટલા ખાલી કાચા-પાકા મકાનોના છાપરા-પતરા ઉડયા હતા. ક્ષતિગ્રસ્ત થયા હતા,.