International
યુએસ એરસ્પેસમાં ચીની બલૂન દેખાતા તણાવ વધ્યો, વિદેશ મંત્રીએ સ્થગિત કરી બેઇજિંગ પ્રવાસ
યુએસ એરસ્પેસમાં ચીની જાસૂસી બલૂન દેખાયા બાદ બંને દેશો (યુએસ-ચીન) વચ્ચે તણાવ વધી ગયો. આવી સ્થિતિમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમની બેઇજિંગની મુલાકાત મુલતવી રાખી છે. બ્લિંકને કહ્યું કે અમેરિકન એરસ્પેસમાં ચીની જાસૂસી બલૂનની માહિતી સામે આવ્યા બાદ હું મારી ચીનની યાત્રા મોકૂફ કરી રહ્યો છું.
બે દિવસીય પ્રવાસનો પ્રસ્તાવ હતો
બ્લિંકન 5 અને 6 ફેબ્રુઆરીએ બે દિવસની ચીનની મુલાકાતે જવાના હતા. આ દરમિયાન તેઓ ચીનના અધિકારીઓ સાથે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ચર્ચા કરશે. પરંતુ જાસૂસી બલૂનના સમાચાર સપાટી પર આવ્યા પછી, તેણે તેની સફર મુલતવી રાખી. બ્લિંકને જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન બલૂન સહિત અનેક મુદ્દાઓ પર વાટાઘાટો ચાલુ રાખશે.
તેમણે કહ્યું કે એ વાત પર ભાર મૂકવો મહત્વપૂર્ણ છે કે બલૂન યુએસ એરસ્પેસ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે, જે અમને અસ્વીકાર્ય લાગે છે. અમે આ અંગે ચીનને જાણ કરી છે. જાસૂસી બલૂન દ્વારા સર્જાયેલા સંજોગોએ મુલાકાતના હેતુને નબળો પાડ્યો છે. તેથી મેં સફર મુલતવી રાખવાનું નક્કી કર્યું. જો કે અમે ચીન સાથે વાતચીત ચાલુ રાખીશું.
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના તત્કાલિન સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાતનો ચીને વિરોધ કર્યા બાદ સેના અને જળવાયુ પરિવર્તન જેવા અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચેની વાતચીત અટકાવી દેવામાં આવી હતી. ગયા આવી સ્થિતિમાં બ્લિંકન બંને દેશોની સેનાઓ અને જળવાયુ પરિવર્તન જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
યુએસ એરસ્પેસનું ઉલ્લંઘન અસ્વીકાર્ય
અમેરિકાએ શુક્રવારે જાસૂસી બલૂનને લઈને ચીનના નિવેદનને ફગાવી દીધું હતું. તેમજ કડક સ્વરમાં કહ્યું કે અમેરિકન એરસ્પેસનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. હકીકતમાં, અમેરિકી એરસ્પેસમાં ચીની જાસૂસી બલૂન દેખાયા બાદ હંગામો થયો હતો અને તેને છોડવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર તેનો નાશ કરવામાં આવ્યો ન હતો.