International
રશિયામાં મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં ભીષણ આગ, સળગી જવાથી 25 લોકોના મોત, ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે
રશિયામાં આગનો મોટો મામલો સામે આવ્યો છે. દક્ષિણી રશિયાના દાગેસ્તાનના એક ગેસ સ્ટેશનમાં લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત 25 લોકોના મોત થયા છે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ મંગળવારે પ્રાદેશિક ઇમરજન્સી ડોક્ટરોને ટાંકીને જણાવ્યું હતું કે, દાગેસ્તાનના દક્ષિણી રશિયન પ્રદેશમાં ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી ત્રણ બાળકો સહિત 25 લોકોના મોત થયા છે. દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં હાઇવેની બાજુમાં એક ઓટો રિપેર શોપમાં સોમવારે રાત્રે આગ ફાટી નીકળી હતી અને વિસ્ફોટોને કારણે નજીકના ગેસ સ્ટેશનમાં ફેલાઈ ગઈ હતી, અધિકારીઓએ જણાવ્યું હતું.
ઘાયલોની સંખ્યા વધી રહી છે, આગ 600 ચોરસ મીટરમાં ફેલાયેલી છે
ઓનલાઈન પોસ્ટ કરાયેલા ફૂટેજમાં એક માળની ઈમારત જ્વાળાઓમાં લપેટાયેલી જોવા મળી હતી, રોઈટર્સ ટીવીએ અહેવાલ આપ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “અહીં યુદ્ધ જેવું છે.” RIA ન્યૂઝ એજન્સીએ રશિયાના નાયબ સ્વાસ્થ્ય મંત્રી વ્લાદિમીર ફિસેન્કોને ટાંકીને કહ્યું કે ઘાયલોની સંખ્યા વધીને 66 થઈ ગઈ છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે.
ઇન્ટરફેક્સે દાગેસ્તાની આરોગ્ય મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે ઘાયલોમાં 13 બાળકો હતા. TASS, રશિયન ઈમરજન્સી સર્વિસના એક નિવેદનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે 600 ચોરસ મીટર (715 ચોરસ યાર્ડ) વિસ્તારમાં ફેલાયેલી આગને ઓલવવામાં અગ્નિશામકોને 3½ કલાકથી વધુ સમય લાગ્યો હતો.
મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે
પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ મખાચકલામાં ગ્લોબસ શોપિંગ સેન્ટર પાસે એક કાર સર્વિસ સેન્ટરમાં થયો હતો. પ્રાદેશિક ગવર્નરે મંગળવારે, 15 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે દાગેસ્તાનના દક્ષિણી રશિયન પ્રદેશમાં ગેસ સ્ટેશન પર આગ ફાટી નીકળી હતી. “દાગેસ્તાન ડિઝાસ્ટર મેડિસિન સેન્ટરની માહિતી અનુસાર, 12.00 (મોસ્કો સમય) સુધીમાં 12 લોકો માર્યા ગયા, 50 ઘાયલ થયા.” જોકે, બાદમાં મૃત્યુઆંક વધીને 25 થયો હતો. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.