Bhavnagar
ભાવનગર ; ધાડપાડુ ગેંગને પકડવામાં પોલીસને મળી સફળતા, અઠવાડિયામાં ગુનાનો ભેદ ઉકેલાયો

પવાર – દેવરાજ
રંઘોળા ચોકડી પાસેથી એલસીબીએ ગેંગને ઉઠાવી લીધી, 2.50 લાખનો મુદ્દામાલ મળ્યો, 4 ઝડપાયા, 6 પકડવાના બાકી, 12 ઓગષ્ટે લૂંટની ઘટના બની હતી
બગદાણામાં એક અઠવાડિયા પહેલા ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. બુકાનીધારી આ ગેંગ બગદાણાના કરમદીયા ગામમાં રાત્રીના બે વાગ્યે આવી હતી. આ ગેંગે ધાડ પાડીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે ભોગ બનાર પરિવારે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના દિવસમાં ધાડપાડુ ગેંગને ઝડપી પાડવામાં ભાવનગર LCB અને પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી છે. ધાડમાં ગયેલા રોકડ રૂપિયા 2,14,300 સહિત કુલ રૂપિયા 2,46,350ના મુદ્દામાલ સાથે ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર, ભાગનરગના બગદાણામાં કરમદીયા ગામમાં ગત 12 ઓગસ્ટના રોજ રાત્રીના લગભગ પોણા બે વાગ્યાની આસપાસ લાભશંકર લાધવા તેના પરિવાર સાથે ફળીયામાં સુતા હતાં. ત્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ ફળીયામાં આવ્યા હોવાનો અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા. ચાર બુકાનીધારી વ્યક્તિઓ લાકડાના ધોકાઓ લઇને તેઓના ખાટલા પાસે આવી ગયા હતા અને બીજા ચારેક વ્યક્તિઓ તેઓના મકાનના રૂમમાં ગયા હતા.
આ ચારેય વ્યક્તિઓએ ફરિયાદીને, ફરિયાદીના પત્નિ અને દીકરાની દીકરી માયાને લાકડાના ધોકાથી માર મારીને સોનાનો ચેઇન નંગ-1, બંને કાનમાં પહેરેલ બુટીયા નંગ-2 તેમજ કાનમાં પહેરેલી સોનાની કડી નંગ-1 ખેંચીને લઇ જતાં રહ્યા હતા. ત્યારબાદ લાભશંકરે રૂમમાં જઇ તપાસ કરતાં કબાટમાં રાખેલા રૂપિયા 5,23,000 તથા ચાંદીની ધાતુની કડલી, ચાપડા તથા મોબાઇલ નંગ-3 વગેરે મળી કુલ રૂપિયા 6,85,000ની લુંટ કરીને લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા પોલીસની ટીમે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સાથે જ આ પ્રકારનાં ગુનાઓમાં અગાઉ પકડાઈ ગયેલા વ્યક્તિઓની ખુબ જ ઝીણવટ ભરી રીતે પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે આજે ભાવનગર LCB અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમના વ્યક્તિઓને બાતમી મળી હતી કે, ભાવનગર રંઘોળા ચોકડી, બસ સ્ટેન્ડ પાસે ઉભેલા ચાર વ્યક્તિઓ પાસે રોકડ રૂપિયા છે અને આ રૂપિયા તેઓ ક્યાકથી ચોરી કરી લાવેલા હોવાની શંકા છે. જે ચારેય વ્યક્તિઓ શંકાસ્પદ છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતાં ચાર વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા. તેઓ પાસેથી રોકડ રકમ અને સોનાનું બુટ્ટી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે તેઓ પાસે કોઇ આધાર બિલ ન હતા. જેથી શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત કરવામાં આવ્યા હતા. આ ચારેય વ્યક્તિઓની પુછપરછ કરતાં તેઓએ રોકડ રકમ તથા સોનાનું સાથીદારો સાથે મળીને આજથી આશરે છએક દિવસ પહેલાં મોડીરાત્રીના કરમદીયા ગામમાં મુખીના ઘરે લુંટ કરી મેળવ્યું હોવાની કબુલાત કરી હતી.