Bhavnagar
ભાવનગર : મહારાજ તમે કેમ આ રજવાડું આ લોકોને આપી દીધું? અમારું તો જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે

બરફવાળા
જાહેરમાં એક વૃદ્ધની વેદના, એવું તો શું થયું કે, આમને રાજાશાહી સારી લાગે છે, તંત્રની ફરિયાદ પૂર્વ રાજાને કરે છે
ભાવનગર સહિત ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં તંત્ર દ્વારા રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જેનાથી રસ્તાના ફૂટપાથ પર લારી-ગલ્લા રાખીને રોજી રળતા લોકોને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. પરંતુ તંત્ર પાસે તેમની સમસ્યાના કોઈ સમાધાન હોય તેવું સામે આવી રહ્યું નથી. એવામાં નાના વેપારીઓ ફરિયાદ કરે તો પણ કોને કરે? અથવા તેમની ફરિયાદ સાંભળે કોણ? પરંતુ ભાવનગરના એક વૃદ્ધે તંત્રની ફરિયાદ ઢોલ વગાડીને ભાવનગર મહારાજ ભાવસિંહજીને કરી છે. વિડીયોમાં વૃદ્ધ ભાવસિંહજીને સંબોધીને રડતાં રડતાં પોતાની વેદના જણાવતા નજરે ચઢે છે. તેઓ કહે છે, “મહારાજ, તમે કેમ આ રજવાડું આ લોકોને આપી દીધું? અમારું તો જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે.” વિડીયોમાં દેખાતા આ વૃદ્ધ ભાવનગરના રસ્તા પર નાનો ઇલેક્ટ્રિકનો વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમની નારાજગી ફૂટપાથ પર ધંધો કરતા માણસના પેટ પર પાટુ મારતા ભાવનગર દબાણ વિભાગની સામે છે. એ તંત્ર સામે છે.
ઉલ્લેખનીય છે કે, વિકાસના નામે અગણિત લોકોને ફૂટપાથ પર ધંધો કરવા દેવામાં આવતો નથી. દબાણ વિભાગ વાળા કાયમ તેઓને નડતર રૂપ બનતા હોય છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે, આ લોકો પાસે રોજી રળવાનો બીજો કોઈ વિકલ્પ હોત તો આ લોકો અહિ રસ્તા પર ટાઢ, તડકો, વરસાદ વેઠીને વેપાર ન કરતા હોત. તેમને તો બે ટંક પરિવારનું પેટ ભરવાનો જ ઉદ્દેશ છે. જો તંત્ર તેમને મદદ ન કરી શકે તો વિકાસના નામે આવી રીતે હેરાન પણ ન કરવા જોઈએ. અને જો તંત્રને રસ્તા પરના આ ગરીબ લારી-ગલ્લા વાળા નડતર રૂપ થતા જ હોય તો તેમના રોજગાર માટે બીજો કોઈ વિકલ્પ આપવો જોઈએ. આખરે તેઓ પણ આપણા બંધુઓ જ છે, ભારતના નાગરિક જ છે.