Sihor
સિહોરમાં પદયાત્રીઓનું આગમન, ઠેક-ઠેકાણે શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્ય શરૂ
નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો આજથી શ્રધ્ધાભેર આરંભ થયો. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા, ઠંડાપીણા, નહાવા-ધોવાની સગવડતા કરવામાં આવી હતી.
ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે. આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
પદયાત્રિકો માટે સિહોર તેમજ પદયાત્રા રૃટ પર આવતા ગામડાઓમાં ઠેક-ઠેકાણે જમણવાર, ચા-નાસ્તો, ઠંડાપાણી , નહાવા-ધોવા, દવા વગેરે સેવાના સમયાણા ઉભા કરવામાં આવ્યા હતા. હવે આવતીકાલે પહેલા નોરતે વહેલી સવારની આરતીના દર્શન કરી પદયાત્રિકો પોતાની માનતા પરિપૂર્ણ કરશે. કાલે પ્રથમ નોરતે રાજપરા ખોડિયાર મંદિરે માતાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓની આખો દિવસ ભીડ રહેશે