Bhavnagar
ભાવનગર જિલ્લાના 8 પૈકી સિહોર તાલુકાના ત્રણ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિકથી સન્માન કરાયું
દેવરાજ
ભાવનગર સરદારનગર ખાતે આવેલ મેઘાણી ઑડિટોરિયમમાં ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાના 3 અને તાલુકા કક્ષાના 5 એમ કુલ 8 શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી સાગરભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયેલ. જેમાં જિલ્લા કક્ષાના પારિતોષિક માટે મુકેશકુમાર ચંદ્રકાંતભાઇ વાઘેલા(અવાણિયા કુમાર પ્રા.શાળા), ચંદ્રિકાબેન રતિભાઇ ચૌહાણ (આર્યકુળ કન્યા વિદ્યાલય ભાવનગર), નિલેશકુમાર મનસુખભાઇ નાથાણી (મુખ્ય શિક્ષક નવા ગુંદાળા પ્રા.શાળા)ને સન્માનિત કરવામાં આવેલ. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ શિક્ષકોને રૂ.15000/-નો ચેક, શાલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.
જ્યારે તાલુકા કક્ષાએ હિતેશભાઇ વશરામભાઇ ઠંઠ (મદદનિશ શિક્ષક, મોટા પીપળવા પ્રા.શાળા), હિંમતભાઇ શામજીભાઇ રાઠોડ (મદદનિશ શિક્ષક ધ્રુપકા પ્રાથમિક શાળા), નીરવભાઇ ગૌતમભાઇ ચૌહાણ (મદદનિશ શિક્ષક મોટા સુરકા પ્રા.શાળા), સંજયભાઇ શામજીભાઇ ટાપણિયા (મદદનિશ શિક્ષક ,રામણકા કે.વ.) અને જયસુખભાઇ બોઘાભાઇ ધરેણિયા (મદદનિશ શિક્ષક, જમણવાવ પ્રા.શાળા)ને સન્માનિત કરવામાં આવેલ. આ શિક્ષકોને રૂ.5000/-નો ચેક, શાલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. ઉપરાંત જ્ઞાન સાધના અને એન.એમ.એમ.એસ.માં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર જિલ્લાના પાંચ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન ભાવેણાને શિક્ષણક્ષેત્રે શીર્ષસ્થ સ્થાન અપાવનાર ગિજુભાઇ બધેકા, હરભાઇ ત્રિવેદી અને નાનાભાઇ ભટ્ટના શિક્ષણક્ષેત્રેના યોગદાનને વાગોળવામાં આવેલ. જેમની યાદમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિ.પ્રા.શિ.અધિ. બોરીચા. ડાયેટના પ્રાચાર્ય હિરેનભાઇ ભટ્ટ, ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઇ ત્રિવેદી, પરેશભાઇ ત્રિવેદી, વિવિધ સંઘના આગેવાનો, શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.