Sihor
સિહોરના ભડલી ગામે યુવતીનો ઝાડ સાથે લટકી જઈ આપઘાત

પવાર
પરિવારે પ્રેમલગ્નની મંજૂરી ન આપતા અંતિમ પગલું ભર્યું, મૃતક મુળ અલંગની રહેવાસી, પરિવારમાં અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી
સિહોર તાલુકાના ભડલી ગામે પ્રેમમાં પાગલ થયેલી એક યુવતીએ પ્રેમી સાથે પરિવારે લગ્ન કરવાની મંજૂરી ન આપતા લીમડાના ઝાડ સાથે લટકી જઈ આપઘાત કરી લેતા અરેરાટી સાથે આઘાત છવાયો છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મુળ તળાજા તાલુકાના અલંગ ખાતે અને હાલ સિહોરના ભડલી ગામની સીમમાં રહેતા સેજલબેન તુલશીભાઈ કુડેચા નામની ૧૯ વર્ષીય યુવતીને એક યુવક સાથે પ્રેમસબંધ હોય, બન્ને પ્રેમીપંખીડા લગ્નના તાંતણે બંધાવા માંગતા હોવાથી યુવતીએ તે વાત તેમના પરિવાર-કુટુંબીજનોને કરી હતી.
જેથી કુટુંબીઓએ તે યુવક સાથે લગ્ન ન કરવા માટે સમજાવતા પ્રેમીને પામી નહીં શકે તેવા રંજ સાથે યુવતીને લાગી આવતા ગઈકાલે રવિવારે સવારના સુમારે વાડીમાં જઈ લીમડાના ઝાડ સાથે લટકી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે સિહોર પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી.