National
ત્રિપુરામાં તા.16 તથા મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરી મતદાન : 2 માર્ચના પરિણામ

પવાર
- 2023ના વર્ષનું પ્રથમ ચૂંટણી બ્યુગલ ફૂંકતું પંચ : વર્ષ દરમ્યાન 9 રાજયોની વિધાનસભાની ચૂંટણીઓની ઉત્તેજનાનો પ્રારંભ, ત્રણ રાજયોની ચૂંટણીના કાર્યક્રમ જાહેર : તમામ રાજયોની 60-60 બેઠકોની વિધાનસભા માટે મતદાન યોજાશે : 2.25 લાખથી વધુ નવા મતદારો નોંધાયા : અન્ય દેશો સાથેની સરહદો સીલ કરવા પંચનો આદેશ : આચારસંહિતા પણ અમલી
2023ના વર્ષમાં દેશમાં યોજાનારી 9 રાજયોની ધારાસભા ચૂંટણીઓમાં પ્રથમ પૂર્વના ત્રણ રાજયો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીના મતદાન યોજાશે જયારે મેઘાલય અને નાગાલેન્ડમાં તા.27 ફેબ્રુઆરીના મતદાન યોજાશે જયારે ત્રણેય રાજયના ચૂંટણી પરિણામો તા. ર માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારએ આજે એક પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.ત્રણેય રાજયોમાં વિધાનસભાની 60-60 બેઠકો માટે મતદાન યોજાશે. ત્રિપુરામાં તા. 16 ફેબ્રુઆરી અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન નિશ્ચીત કરવામાં આવ્યું છે અને તા.2 માર્ચના રોજ ત્રણેય રાજયોના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવશે. ચાલુ વર્ષે દેશમાં 9 રાજયો ઉપરાંત સંભવત: જમ્મુ અને કાશ્મીરમાં પણ ધારાસભા ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબકકામાં પૂર્વના ત્રણ રાજયોમાં ત્રિપુરામાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર ધરાવે છે જયારે મેઘાલય અને નાગાલેન્ડમાં સંયુકત મોરચાની સરકારમાં ભાજપ સાથી પક્ષ છે. 2018માં ત્રિપુરામાં ભાજપે 25 વર્ષથી શાસન કરી રહેલા ડાબેરી મોરચાને પરાજીત કરી પ્રથમ વખત સરકાર બનાવી હતી આ ચૂંટણીમાં પક્ષ ફરી વખત સરકાર બનાવવા માટે વિશ્વાસુ છે. જયારે બે રાજયોમાં ભાજપ સ્થાનિક પક્ષો સાથે જોડાણ રચીને હાલ સત્તામાં છે. આ રાજયોની ચૂંટણી પરિણામો બાદ માર્ચ મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેર થશે અને બાદમાં ડિસેમ્બર 2023 સુધીમાં વધુ પાંચ રાજયો જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપરાંત તેલંગણાનો સમાવેશ થાય છે. તેની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જયારે 2024માં લોકસભાની ચૂંટણીનો ટોન આ વર્ષે યોજાનારી ધારાસભા ચૂંટણીઓ નિશ્ચીત કરશે તેમ માનવામાં આવે છે. ત્રણેય રાજયોમાં કુલ ર.રપ લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે અને અહીં મહિલા મતદારોની સંખ્યા પુરૂષો કરતા વધુ છે.