Connect with us

Gujarat

ધો. ૧૦-૧૨ના પેપરોની તજજ્ઞો પાસે તપાસ કરાવો, આંતરિક ગુણ પ્રથા બંધ કરો : હેમાંગ રાવલ

Published

on

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવકતા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં રાજયભરમાંથી ૧૫.૩૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૯.૧૭ લાખ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૧.૩૨ લાખ તથા સામાન્ય પ્રવાહ માટે ૪.૮૯ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ધોરણ ૮ ના શિક્ષકો ધોરણ ૧૦ એસએસસી બોર્ડના પેપર તપાસી રહ્યા છે.

ભાજપના રાજમાં શિક્ષણ વ્યવસ્થા કથળ્યાનો આક્ષેપ

ગત વર્ષ કરતા  એક લાખથી  વધારે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપેલ છે. અંગ્રેજી માધ્યમના પૂરતા શિક્ષકો સરકાર પાસે ન હોવાથી અન્ય શિક્ષકો અંગ્રેજી માધ્યમના બોર્ડના પેપર તપાસી રહ્યા છે. ગુજરાતના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને અને તેમના પરિવારોને ઉચ્ચ ગુણવત્તાનું મૂલ્યાંકન ન મળે તો તેમને પરિણામમાં મોટો અન્યાય થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઘણી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા મનસ્વી રીતે મુલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માકર્સ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસે સાબિતી સાથે ફરિયાદ કરતા શાળાઓની તપાસ કરવામાં આવી હતી અને તેમાં શાળાઓ દોષિત થઈ હતી. પરંતુ, તે પછી કોઈપણ કડક દાખલરૃપ કાર્યવાહી તેમના પર કરવામાં આવી નથી. આ વર્ષે પણ તપાસ જરૃરી છે. છેલ્લા કેટલાંય સમયથી શિક્ષિત બેરોજગાર યુવાનો કે જેઓએ વર્ષોથી મહેનત કરી છે અને સરકારી શિક્ષક બનવાના સપના સેવી રહ્યાં છે.  આ યુવાઓએ વારંવાર રજૂઆત કરી છે. સરકાર પાસે ચૂંટણી માટે કામ કરવા માટે પૂરતા શિક્ષકો નથી માટે જ્ઞાન સહાયકોનો તેમાં ઉપયોગ થઈ રહ્યો છે.

હકીકતમાં, જ્ઞાન સહાયકને વેકેશનમાં છુટા કરવામાં આવનાર હતા અને ૫ મેં સુધી જ કરાર આધારિત કાર્ય કરવાના હતા પરંતુ તેમના કરાર બાદ પણ તેમને ચૂંટણીના કાર્યમાં જોતરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૃપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૃપિયાના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓના ડ્રોપાઉટ રેશિયોનો જો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબરે આવે. તેમ હેમાંગ રાવલે જણાવ્યું છે.

કોંગ્રેસ પક્ષની માંગ છે કે ધોરણ ૧૦ અને ૧૨ ના પેપરો તજજ્ઞો મારફત તપાસવામાં આવે અને ટ્યુશન પદ્ઘતિને પ્રેરતી ઇન્ટરનલ ગુણ પ્રથા બંધ કરવામાં આવે તથા જો જ્ઞાનસહાયકોનો ઉપયોગ ચૂંટણી માટે વેકેશનમાં અથવા કરાર બાદ પણ કરવામાં આવે તો જ્ઞાનસહાયકોને કાયમી કરીને ન્યાય આપવામાં આવે તેમ હેમાંગ રાવલ જણાવે છે.

Advertisement

 

Continue Reading
Advertisement
error: Content is protected !!