Lifestyle
ડુંગરો અને જંગલોની વચ્ચે સિહોર વન વિભાગની અનોખી પ્રકૃતિ શિક્ષણ શિબિર
ડુંગરો અને જંગલોની વચ્ચે સિહોર વન વિભાગની અનોખી પ્રકૃતિ શિક્ષણ શિબિર
ઘાંઘળી અનામત જંગલમાં પ્રકૃતિ શિબિરનું આયોજન થયું, ઉત્તમ આશયથી વનવિભાગ દ્વારા અનોખો પ્રયાસ, બાળકોને અપાયું પ્રકૃતિનું શિક્ષણ..
દેવરાજ
સિહોર તાલુકાને કુદરતે છુટા હાથે પ્રકૃતિની ભેટ આપી છે. એક બાજુ ડુંગરો જંગલો છે. આમ સિહોર પંથક પ્રકૃતિ અને પર્યાવરણની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. અહીં ડુંગરોમાં અપાર સૌંદર્ય પથરાયેલું છે. જ્યાં પ્રકૃતિ હોય ત્યાં તેનું જનત અને પ્રકૃતિનું સંવર્ધન કરવું પણ આવશ્યક બની જાય છે. જો કે, પ્રકૃતિના જતન માટે આમ તો કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી પરંતુ આવનારી પેઢીને પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોનું મહત્વ સમજાય તેવા ઉત્તમ આશયથી વન વિભાગ સિહોર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાંપ્રત સમયમાં શિક્ષણની સાથે સાથે પર્યાવરણના પાઠ શીખવવા એ પણ જરૂરિયાત બની ગઈ છે. આજના સમયમાં પર્યાવરણ અને વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે ત્યારે સિહોર વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રકૃતિ જાળવણી સંદર્ભે શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સિહોર વન વિભાગ હસ્તકના ઘાંઘળી – ભાણગઢ વિસ્તારમાં ગાઢ જંગલ વચ્ચે આવેલ ફોરેસ્ટ વોચ ટાવર મુકામે આસપાસના ગામના પ્રાથમિક શાળાના બાળકોએ આ પ્રકૃતિ શિબિરનો લાભ લીધો હતો. વન વિભાગના ફોરેસ્ટર વી.જે ડોડિયાએ જણાવ્યું હતું કે બાળપણની ઉંમરથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવે તો આવનારી પેઢીને તંદુરસ્ત વાતાવરણ મળી શકે. આસપાસની પ્રાથિમક શાળાના બાળકો અને શિક્ષકોએ આ શિબિરમાં હાજર રહી આસપાસના જંગલમાં રહેલ વૃક્ષો, વન્ય પ્રાણીઓ અને જીવ સૃષ્ટિ વિશે માહિતી મેળવી હતી તેમજ વનવિભાગ દ્વારા કરાયેલા પ્લાંટેશન પ્લોટની પણ મુલાકાત કરવામાં આવી હતી અને વોચ ટાવર ઉપરથી આસપાસના જંગલનું બાયનોક્યુલર દ્વારા દરેક બાળકોને નિદર્શન કરાવવામાં આવ્યુ. આ શિબિરને સફળ બનાવવા વન વિભાગના આર.એફ.ઓ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ વન વિભાગના વી.જે ડોડીયા, વિપુલભાઈ, વૈભવભાઈ અને ભાણગઢ પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકીએ જહેમત ઊઠાવી હતી. વનવિભાગ દ્વારા તમામ બાળકો માટે અલ્પહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.