Gujarat
જયાપાર્વતી વ્રતના છેલ્લા દિવસે બહેનોએ કર્યું મંદિરોમાં પૂજન-અર્ચન: આજે રાત્રી જાગરણ
જયાપાર્વતી વ્રતના છેલ્લા દિવસે બહેનોએ કર્યું મંદિરોમાં પૂજન-અર્ચન: આજે રાત્રી જાગરણ
દેવરાજ
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા-અર્ચનનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ થાય છે. તા.19મી જુલાઈથી શરૂ થયેલું જયા પાર્વતીનું વ્રત આજે પાંચમા દિવસે આખી રાતનું જાગરણ કરીને મહિલાઓ પૂર્ણ કરશે. આ વ્રત પતિના દિર્ઘાયુષ માટે, બાળકોની સુખાકારી માટે કરવામાં આવે છે. આ વ્રત જે કુંવારી છોકરીઓ કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 વર્ષ કરવાનું હોય છે. વ્રત પુરૂ થયે લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્યસુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે. આ વ્રત સૌ પ્રથમ પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું. આજે જયાપાર્વતી વ્રતના છેલ્લા દિવસે કુંવારિકાઓ તથા પરણીત સ્ત્રીઓ મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠુ અને લોટની સામગ્રી બનાવીને, ખોરાક લઈને વ્રત પુરૂ કરે છે. આજે બહેનોને આખી રાતનું જાગરણ કરવાનું હોય છે.