Connect with us

Gujarat

ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી રીક્ષા ચોરી કરનારા પાલીતાણાના બે રીઢા શખસ ઝડપાયા

Published

on

ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી રીક્ષા ચોરી કરનારા પાલીતાણાના બે રીઢા શખસ ઝડપાયા

પાલીતાણાનો સમીર અને અસલમ ભરૂચ પાસેથી રીક્ષા ચોરી કર્યાની કબૂલાત : બોરસદ ઓવરબ્રિજ પરથી બન્ને ઝડપાયા, 3 રિક્ષાઓ ચોરી કર્યાની કબૂલાત, જુદાજુદા સ્થળોએ ચોરીઓ કરતા હતા, આણંદ એલસીબીએ રૂ. 1.75 લાખની મત્તા જપ્ત કરી

દેવરાજ

પાલીતાણાનો સમીર અને અસલમ બન્ને શખ્સ આણંદ જિલ્લાના બોરસદ ઓવરબ્રીજ નજીકથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓથી સીએનજી રીક્ષાની ચોરીઓ કરનાર રીઢા શખ્શોને આણંદ એલસીબી પોલીસે રૂ.૧.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બોરસદના ઓવરબ્રીજ ઉપર વાસદ તરફ બે શખ્શો ચોરી કરેલી સીએનજી રિક્ષા  સાથે પસાર થનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ ઓવરબ્રીજ ઉપર વાસદ તરફના છેડે વોચમાં ગોઠવાઈ ગઈ હતી.  પોલીસે રીક્ષામાં સવાર બે શખ્શોના નામ-ઠામ અંગે પુછતાં તે સમીર સલીમભાઈ ડેરૈયા અને અસ્લમ ફિરોઝભાઈ સૈયદ (બંને રહે.પાલીતાણા,) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્શો પાસે રીક્ષાના કાગળો અંગે પુછપરછ કરતા પોતાની પાસે નહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો કે પોલીસે બંનેની સઘન પુછપરછ કરતા આ રીક્ષા તેઓએ એક માસ પૂર્વે ભરૂચ રેલ્વે સ્ટેશન નજીકથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
પોલીસે રૂા.૬૫ હજારની કિંમતની રીક્ષા સાથે બંને શખ્શોની અટકાયત કરી વધુ પુછપરછ કરતા અન્ય બે સ્થળોએથી પણ તેઓએ  રીક્ષાઓની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જે બંને રીક્ષાઓ પોલીસે કબ્જે લઈ ઝડપાયેલ બંને શખ્શો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલીતાણાના સમીર ડેરૈયા અને અસ્લમ સૈયદે તા.૧૩ જુન, ૨૦૨૪ની રાત્રિના સુમારે ભરૂચ રેલ્વે સ્ટેશન નજીકથી, તા.૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સાંજના સુમારે બોટાદ સીટી ગઢડા રોડ ઉપર કોમ્પલેક્ષ પાસે પાર્ક કરેલ સીએનજી રીક્ષા, તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની રાત્રિના સુમારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાંથી સીએનજી રીક્ષા અને એપ્રિલ, ૨૦૨૪માં વલસાડના ભીલાડ ખાતેથી રેલ્વે સ્ટેશન નજીકથી એક સીએનજી રીક્ષાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.સમીર ડેરૈયા ભાવનગરના નિલમબાગ, બોર તળાવ, ગંગાજળીયા પોલીસ મથકમાં જુગારના અલગ-અલગ કેસોમાં પકડાયેલ છે જ્યારે પાલીતાણા ટાઉન પોલીસમાં પ્રોહીબીશનના ગુનામાં તે બે વાર પકડાયો છે. ઉપરાંત વલસાડના ડુંગરા, નવસારી, મોટી દમણ, સેલવાસ, ભાવનગર શહેર ઘોઘા રોડ વિસ્તારોમાંથી પણ તે પ્રોહીબીશન, બાઈક ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અસ્લમ સૈયદ પણ તેની સાથે મોટી દમણ, ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!