National
Vande Bharat Metro : વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશભરમાં દોડશે વંદે મેટ્રો ટ્રેન, રેલવે મંત્રીએ કરી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું હતું. બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બજેટ રજૂ થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે રેલવે 2024-25 સુધીમાં વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવા જઈ રહી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે મેટ્રો શહેરોમાં 50-60 કિમીનું અંતર કાપવાનો કોન્સેપ્ટ લઈને આવી રહી છે. પ્રોડક્શન અને ડિઝાઇનનું કામ આ વર્ષે કરવામાં આવશે. આવતા વર્ષથી તેને શરૂ કરવાની યોજના છે. રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે વંદે મેટ્રો 125 થી 130 કિમીની ઝડપે દોડશે. તેની ડિઝાઇન મુંબઈ સબ-અર્બનની તર્જ પર હશે. જો કે વંદે મેટ્રોમાં શૌચાલયની સુવિધા નહીં હોય.
શું હશે વંદે મેટ્રો ટ્રેનની વિશેષતા?
વંદે મેટ્રો ટ્રેન 1950 અને 1960ના દાયકામાં ડિઝાઇન કરાયેલી ઘણી ટ્રેનોનું સ્થાન લેશે. તેની ડિઝાઈનમાંથી હજુ પડદો હટાવવામાં આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાં સુવિધાઓ વંદે ભારત ટ્રેન જેવી જ હશે. એન્જિન સંપૂર્ણપણે હાઇડ્રોજન આધારિત હશે. જેના કારણે પ્રદૂષણ શૂન્ય થશે.
વંદે ભારત ટ્રેનની જેમ આ ટ્રેનમાં પણ આધુનિક બ્રેક સિસ્ટમ, રેડ સિગ્નલ બ્રેકિંગથી બચવા માટે કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, GPS, LED સ્ક્રીન હશે, જે મુસાફરોને આગલા સ્ટેશન વિશે અગાઉથી જાણ કરશે. આ ટ્રેનનું ભાડું ઘણું ઓછું હશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ મુસાફરી કરી શકશે.
નો વેઈટિંગ ઇન ટિકિટ પર રેલવે મંત્રીએ આ જવાબ આપ્યો
ટ્રેન ટિકિટમાં વેઇટિંગનો અંત ક્યારે આવશે? આ પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 10 વર્ષ પહેલા દરરોજ 4 કિલોમીટરના નવા ટ્રેક બનાવવામાં આવતા હતા. આજે દરરોજ 12 કિમીનો નવો ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે તેને 16 કિમી સુધી લઈ જશે. ઘણા દાયકાઓની ખામીઓને 8 વર્ષમાં પૂરી કરવાનો પ્રયાસ કર્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતને પહોંચી વળવાથી જ માંગ અને પુરવઠાનો તફાવત ઘટશે. આ પછી જ કોઈ રાહ જોવા વિશે કહી શકાય.