Bhavnagar
ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ : તાપમાનનો પારો વધુ બે ડિગ્રી ગગડ્યો

પવાર
ગરમી – બફારા વચ્ચે ઝાપટું, બપોર સુધી સૂર્યનારાયણની વાદળો સાથે સંતાકૂકડી બાદ અચાનક જ ઝાપટું વરસ્યું, બફારો-ઉકળાટ વધ્યો
ઉનાળાની સિઝનમાં આ વર્ષે ઋતુ વારંવાર અવળી ચાલ ચાલી રહી હોય તેમ અચાનક જ ભરઉનાળે માવઠાંનો માહોલ જામી રહ્યો છે. ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી રહ્યાના ૨૪ કલાકની અંદર અચરજ પમાડે તે રીતે ગરમી અને બફારાની સાથે શહેરમાં હળવુંથી લઈ ધોધમાર ઝાપટું વરસી ગયું હતું. ઝાપટાં બાદ તુરંત જ સૂર્યનારાયણની હાજરી નોંધાતા બફારો અને ઉકળાટ વધ્યો હતો. સાંજના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેર અને જિલ્લામાં આજે સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો.
સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડતા અને પવનની ઝડપ વધતા મહત્તમ તાપમાનમાં વધુ બે ડિગ્રી ઘટાડો થતાં આજે ગરમીનો પારો ઘટીને 37.2 ડિગ્રી નોંધાયો હતો ગોહિલવાડ પંથકમાં ગરમીમાં રાહત અનુભવાય છે. આજે મંગળવારે સાંજે શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. બપોર બાદ વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું હતું. અને દિવસભર તેજ પવન ફૂંકાયો હતો. પવન ફૂંકાતા અને મહત્તમ તાપમાન ઘટતા ભાવનગરવાસીઓએ ગરમીમાંથી છુટકારો મેળવ્યો હતો. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી રહેવા પામ્યું હતું .જ્યારે લઘુતમ તાપમાન 27.2 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 38 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. શહેરમાં સાંજે ઝરમર ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો.