Surat
સુરતમાં અનોખો રેકોર્ડ : 10 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર, એક જ દિવસમાં 31 બાળકોની ડીલીવરી

બરફવાળા
31 બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું, આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 10 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 31 ડીલીવરી સાથે રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે હાલ તો 31 બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે.
દીકરીના જન્મ પર એક લાખ રૂપિયાનો બોન્ડ
એક સાથે 31 દીકરી-દીકરાનો જન્મ થતા એક અલગ જ પ્રકારનો રેકોર્ડ સર્જી દીધો છે. તમામ જન્મેલા 31 બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્ટિપલની ટીમે ખૂબ મહેનત કરી છે. આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 છે અને દીકરીનો જન્મ થાય તો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ માત્ર 5000 છે.
તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે.
સુરતમાં નવો રેકોર્ડ સ્થાપિત થયો
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં 31 ડીલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટીક, ગાયનેક વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલના પીડીયાટ્રીશીયન તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.